Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

ગાંધીનગરમાં પિતાએ વેચેલ જમીન બીજી વાર વેચી ઠગાઈ આચરનાર વિરુદ્ધ ગુનો દાખલ

ગાંધીનગર:જિલ્લામાં જમીનના ભાવ આસમાને આંબી રહયા છે ત્યારે જમીન સંબંધીત છેતરપીંડીની ઘટનાઓ પણ વધી રહી છે ત્યારે વડોદરા ગામે ૪૬ વર્ષ અગાઉ વેચાયેલી જમીનનો વારસદારોએ બે-બે વાર વેચાણ દસ્તાવેજ કરી દેતાં પાંચ વારસદારો અને બે ખરીદનાર સામે છેતરપીંડી હેઠળ ડભોડા પોલીસ મથકમાં ખેડૂતે ફરીયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા દોડધામ શરૃ કરી છે.   

આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે વડોદરા ગામે રહેતા રમણજી આતાજી ઠાકોરે ફરીયાદ નોંધાવી હતી કે તેમના દાદાએ વડોદરા ગામમાં રહેતા કાળાજી ધુળાજી ઠાકોર પાસેથી ચાર વીઘા જમીન વર્ષ ૧૯૭૫માં વેચાણ રાખી હતી અને જેનો દસ્તાવેજ પણ થયો હતો. જો કે સહભાગીદારી સહમતી ના હોય ૧૯૮૦માં વેચાણ દસ્તાવેજ નોંધ રદ થઈ હતી. જે અંગે તેમને કોઈ જાણ નહોતી પરંતુ જમીનનો કબજો અને તેની ઉપર અત્યાર સુધી તેઓ ખેતી કરી રહયા છે. ત્રણ વર્ષ અગાઉ તેમની આ જમીન જોવા માટે બહારથી કેટલાક લોકો આવતા હતા. ત્યારબાદ તેમણે જાણવા મળ્યું હતું કે મુળ જમીન માલીક કાળાજી ધુળાજી ઠાકોરના દીકરા ભીખાજી ઠાકોરનો દીકરો જાલમસિંહ આ જમીન વેચવાની કાર્યવાહી કરે છે. ત્યારબાદ જમીનના કાગળો જોતાં તેમના દાદા કે  પિતાનું નામ નહોતુ અને જમીનના વારસદારો તરીકે ભીખાજીના વારસદારોના નામ દાખલ થયા હતા. જેમાં જાલમસિંહ ભીખાજી ઠાકોરશારદાબેન ભીખાજી ઠાકોરલીલાબેન ભીખાજી ઠાકોરલક્ષ્મીબેન ઉર્ફે મુનીબેન ભીખાજી ઠાકોર અને નાગરજી ભીખાજી ઠાકોરના નામ હતા. આ જમીન વર્ષ ર૦૧૮માં  જગતપુર અમદાવાદ ગણેશ દ્વારા બંગલોઝમાં રહેતા ચેતનભાઈ છોટાલાલ પટેલને વેચી દેવામાં આવી હતી. ત્યારબાદ ફરીવાર આ વારસદારોએ આ જમીન પૈકી ૩૩ ગુંઠા જમીન ધીરૃભાઈ ગોવિંદભાઈ બુટાણી રહે.૧૯ તુલસીકુંજ સોસાયટીબાપુનગરને વેચાણ આપી હતી. જેથી આ મામલે ખેડૂત દ્વારા કલેકટર કચેરીમાં ફરીયાદ દાખલ કરવામાં આવી હતી અને હુકમના આધારે ડભોડા પોલીસ મથકમાં પાંચ વારસદારો અને બે જમીન ખરીદનાર વ્યક્તિઓ સામે છેતરપીંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

 

(5:40 pm IST)