Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

મહુધા પોલીસે એલીના ચોકડી નજીકથી પસાર થતા વાહનોમાં કતલખાને લઇ જવાતા નવ મૂંગા પશુઓને બચાવી લીધા

નડિયાદ : મહુધા પોલીસે આજે સવારે અલીણા ચોકડી પરથી પસાર થતા બે વાહનોમાં કતલખાને લઈ જવાતા નવ મુંગા પશુઓને બચાવી લીધા હતા. પોલીસને બે ટેમ્પા મળી કુલ રૂ.૪,૧૩,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યોે હતો. મહુધા પોલીસ આજે સવારે અલીણા ચોકડી પર વાહનો ચેકિંગ દરમિયાન લાડવેલ ચોકડી તરફથી પણસોરા તરફ જતાં પિક અપ ટેમ્પામાંથી ટૂંકા દોરડાથી ક્રૂરતાપૂર્વક બાંધેલી ભેંસો પાંચ રૂ.૩૩,૦૦૦ ની તેમજ બે પાડા રૂ.૮,૦૦૦ મળી કુલ રૂ.૮૩,૦૦૦ના પશુઓ મળી આવ્યા હતાં. ટેમ્પામાં પશુઓ માટે ઘાસચારો કે પાણીની કોઈ વ્યવસ્થા ન હતી. જેથી પોલીસે ટેમ્પો ચાલક સહિત બંનેની અટક કરી પૂછપરછ કરતાં મુન્ના યાસીન મિયા બીન ફિદહુસેન્ન મન્સૂરી (રહે. દાણીલીમડા, અમદાવાદ) તેમજ અલ્લારખા ઇસિફુદિં ઉર્ફે ઇશાક બીન બાશિરું દિન શેખ (રહે. બહેરામપુરા, અમદાવાદ)ના હોવાનું જણાવ્યું હતું. પોલીસે ટેમ્પો રૂ.૧,૫૦,૦૦૦ તેમજ પશુઓ મળી કુલ રૂ.૨,૩૩,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઉપરાંત અલીણા ચોકડી પરથી લાડવેલ તરફથી આવતાં છોટા હાથીને ઉભો રાખી પૂછપરછ કરતાં મૂંગા પશુઓ હોવાનું જણાવ્યું હતું પરંતુ તેની પાસે પશુઓની હેરાફેરીના કાગળો ન હતા. જેથી પોલીસે ટેમ્પામાં ક્રૂરતાપૂર્વક બાંધેલી બે ભેંસો કિંમત રૂ.૩૦,૦૦૦ની ટેમ્પો રૂ.૧,૫૦,૦૦૦ મળી કુલ રૂ.૧,૮૦,૦૦૦ ના મુદ્દા માલ કબ્જે કર્યો હતો. તેમજ ટેમ્પો ચાલક વસીમ અક્રમ બીન નઝીર હુસેન મલેકની અટક કરી હતી. મહુધા પોલીસે આ બંને બનાવમાં ત્રણે આરોપીઓ સામે ગુનો નોંધી  કાર્યવાહી હાથ ધરી હતી.

(5:41 pm IST)