Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

વડાપ્રધાનને પત્ર લખી ઐતિહાસીક વિરમગામ શહેરને હેરીટેજ સીટી જાહેર કરી મુનસર તળાવને ડેવલપ કરવા રજુઆત કરાઇ

અમદાવાદ જિલ્લા મિડીયા ક્લબ દ્વારા વડાપ્રધાન, મુખ્યમંત્રી,પ્રદેશ ભાજપ અધ્યક્ષને પત્ર લખીને રજુઆત કરવામાં આવી

વિરમગામ:અમદાવાદ જિલ્લાનું તાલુકા મથક અને સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર સમા એક સમયના 'વાયા વિરમગામ'ને કેટલાકે નેતાઓ બાયપાસ વિરમગામમાં પરિવર્તન કરી ચૂક્યા છે. ઐતિહાસિક શહેર વિરમગામે સ્વતંત્ર આંદોલન અને સત્યાગ્રહમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારે આઝાદીના ૭૫ વર્ષ બાદ પણ શહેરની પ્રજાને ઠાલાં વચનો સિવાય કાંઈ જ મળ્યું નથી. અનેક ધારાસભ્યો અને સાંસદો અહીં આવ્યા અને ચાલ્યા પણ ગયા, પરંતુ વિરમગામ શહેરનો કાંઈ જ વિકાસ દેખાઈ રહ્યો નથી. વર્ષો બાદ પણ ગામ જૈસે થે તૈસે થેની પરિસ્થિતિમાં વિકાસની રાહ જોઈ રહ્યું છે અને વિરમગામ દિવસે ને દિવસે વિકાસ વગર પછડાટ ખાઈ રહ્યું છે. ગુજરાત રાજ્યના એક સમયનું 'વાયા વિરમગામ' કહેવાતું વિરમગામ શહેર 'બાયપાસ વિરમગામ' બની ગયુ છે. સાણંદ નેનો સીટી અને બહુચરાજી મારૂતિ ને અડીને આવેલું વાયા વિરમગામ હાલ નર્કાગાર સીટી બની ચુક્યું છે. સ્થાનીક યુવાનોને રોજગારી પ્રશ્ન પણ વિકટ બની રહ્યો છે. તેવી રજુઆત અમદાવાદ જિલ્લા મિડીયા ક્લબના પ્રમુખ પીયૂષ ગજ્જર, ઉપ પ્રમુખ નવિનચન્દ્ર મહેતા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સહિતના લોકોને પત્ર લખીને કરવામાં આવી છે. વડાપ્રધાન સુધી પત્ર પહોચાડવા માટે પ્રાન્ત ઓફીસ વિરમગામમાં પત્ર આપવામાં આવ્યો હતો.

  વડા પ્રધાનને લખવામાં આવેલ પત્રમાં જણાવ્યા મુજબ, વિરમગામ શહેર અને પંથકમાં છેલ્લા ઘણા સમયથી વિરમગામ જિલ્લો બનશે એવી ચર્ચાઓ લોકમુખે ચર્ચાઈ રહી છે. શહેરમાં જ્યાં જુઓ ત્યાં ચોરે ને ચૌટે એ વિરમગામના વિકાસની વાતો વાગોળતા હોય છે અને છેલ્લે શહેરના ભય અને ભવિષ્ય જોતાં અહીં ઐતિહાસિક દરવાજાઓ છે, પણ બંધ થતાં નથી, કોટ છે પણ ઇંટો નથી. રસ્તા છે, પણ રોડ નથી. ગટર છે યોજનાબદ્ધ નથી, બાગબગીચા છે પણ હરિયાળો નથી અને છેલ્લે ગામ છે પણ પૂરતો વિકાસ નથી. વિરમગામની જનતા હવે માત્ર આપની પાસે જ વિરમગામના અચ્છે દિનની અપેક્ષા રાખીને બેઠા છે અને ભાજપ સરકાર દ્વારા ઐતિહાસીક વિરમગામને હેરીટેજ સીટી જાહેર કરી મુનસર તળાવને ડેવલપ કરી સ્માર્ટ સીટી જેવો વિકાસ કરવામાં આવે તેવુ નગરજનો ઇચ્છી રહ્યા છે. વિરમગામના મુનસર તળાવ, કાશીવિશ્વાનાથ મહાદેવ, હાંસલપુર સેરેશ્વર મહાદેવ, ગંગાસર તળાવ, વિરમગામનો ગઢ – દરવાજા, પંથકમાં આવેલ વિવિધ વાવ, ટાવર સહિતના ઔતિહાસ સ્થાનોના વિકાસ થકી વિરમગામ શહેરનો વિકાસ કરવા માટે વિનંતી છે.

(6:33 pm IST)