Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

ગરનાળાના પાણીમાં ર-૩ દિવસથી ફસાયેલ ગાયનું રેસ્‍કયુ કરાયુ

અમદાવાદની વાઇલ્‍ડ લાઇફ રેસ્‍કયુ ટીમ દ્વારા

રાજકોટ તા. ૪: મુક જીવો અવાર નવાર કોઇ જગ્‍યાએ ફસાઇ જવાના કીસ્‍સા બને છે. અબોલ જીવો ઘણીવાર એવા વિસ્‍તારમાં ફસડાઇ પડે છે કે જે અવાવરૂ હોય છે. લોકોની અવર-જવર નહીંવત હોય છે ત્‍યારે ઘણીવાર ર-૩ દિવસો સુધી તેની ફસાયા હોવાની ખબર પણ પડતી નથી.

આવી જ એક ઘટના અમદાવાદના સાબરમતી કવિ ચોક પાસે બની હતી. લગભગ સોમવારથી ગરનાળાના પાણીમાં ફસડાઇ પડેલ ગાયનું ગુરૂવારે રેસ્‍કયુ કરવામાં આવ્‍યું હતું. આ રેસ્‍કયુ અમદાવાદની સંસ્‍થા વાઇલ્‍ડ લાઇફ રેસ્‍કયુ ટીમ દ્વારા કરાયું હતું.

આ અંગે સંસ્‍થાના અરવીંદભાઇ પરમારે જણાવ્‍યું હતું કે, અમદાવાદનો આ વિસ્‍તાર ખુબ જ સુમસામ છે. ત્‍યાં લોકોની આવ-જા પણ નથી. પણ સદ્દભાગ્‍યે રેલ્‍વેના કર્મચારી બાંગરજીનાં ધ્‍યાને ગરનાળામાં ગાય પડેલ હોવાનું ધ્‍યાનમાં આવતા તેમણે અમને જાણ કરતા અમે ટીમ અને રેસ્‍કયુ સાધનો સાથે ત્‍યાં પહોંચ્‍યા હતા.ઘટના સ્‍થળે પહોંચ્‍યા બાદ સંસ્‍થાના જીવદયા પ્રેમી કાર્યકરો તે પાણીમાં ઉતર્યા હતા અને ગાયને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરી હતી. લગભગ બે કલાકની મહેનત બાદ ગાયને ત્‍યાંથી બહાર કાઢવામાં આવી હતી. આમ વધુ એકવાર અમારા દ્વારા અબોલ જીવનું રેસ્‍કયુ કરી સલામત બહાર કાઢવામાં આવ્‍યું હતું.

 

(4:38 pm IST)