Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

કોરોનાએ વાત્સલ્ય છીનવ્યું : દિકરીને જન્મ આપ્યાના બીજા જ દિવસે માતા કોરોનાગ્રસ્ત

તબીબોએ કોરોના સામે જંગ ખેલી માતા-પુત્રીનો મિલાપ કરાવ્યો

અમદાવાદ : કોરોનાએ ઘણાંય પરિવારો પર કેર વર્તાવ્યો છે. ઘણા પરિવારો વિખૂટા થયા છે. આ વખતે અમદાવાદ શહેરના મેધનાબેન દેદૂન સાથે પણ કોરોનાએ એ જ પ્રયત્ન કર્યો. સગર્ભા માતાએ દિકરીને જન્મ આપ્યાના બીજા જ દિવસે તેઓ કોરોનાગ્રસ્ત થયા અને કાળમૂખા કોરોનાએ નવજાત બાળકીના હિસ્સાનુ વાત્સલ્ય તેમનાથી છીનવી લીધુ. માતા કોરોનાગ્રસ્ત બનતા તેઓને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવા પડ્યા હતા.

અમદાવાદ શહેરના મેધનાબેન દેદૂને દિકરીને જન્મ આપ્યો. આ તેમનું બીજુ બાળક છે. સમગ્ર પરિવારમાં ખુશહાલીનો માહોલ ફેલાઇ ગયો હતો. હજુ તો આ ઉત્સવ ઉજવવાનો બાકી હતો ત્યાં જ બીજા જ દિવસે મેધનાબેનને કોરોનાના લક્ષણો જણાઇ આવ્યા.જેથી તેમનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જે પોઝીટીવ આવતાં પરિવાર પર જાણે આભ પડયું હોય તેવી સ્થિતિ સર્જાઇ ગઇ હતી.

એક દિવસની દિકરીથી માને જુદી પાડવી તે ઘટના કાળજું કંપાવી દેનારી હતી. પરંતુ મેઘનાબેનના 30 ટકા જેટલા ફેફસા કોરોનાથી ક્ષતિગ્રસ્ત થયા હતા. જેથી તેમને ના છૂટકે અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝીગ્નેટેડેડ 1200 બેડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ત્યાં તેઓની સધન સારવાર શરૂ કરવામાં આવી. આ સમયગાળા દરમિયાન માતાના શરીરમાં વાયરસનુ સંક્રમણ એટલી ઝડપે વધી રહ્યુ હતું કે ફક્ત 2 જ દિવસમાં ફેફસાનો 85 થી 90 ટકા ભાગ વાયરસ થી ક્ષતિગ્રસ્ત બન્યો.

 

જીંદગી અને મોત વચ્ચે સંગ્રામ ખેલી રહેલી આ માતા જીવન જીવવાની આશા છોડી જ ચૂકી હતી. પરંતુ બીજી તરફ નવજાત બાળકી જેણે હજુ તો આ ઘરતી પર પગ મૂક્યો છે તે મેધનાબેનની ઘરે પરત ફરવાની રાહ જોઇ રહી છે, મેધનાબેન દેદૂને જીવન અને મરણ વચ્ચેનો આ સંગ્રામ અને કાળમૂખા કોરોના સામેની જંગ અતિં ગંભીર બની રહી હતી. પરંતુ સિવિલ હોસ્પિટલના તબીબોની કર્તવ્યનિષ્ઠા અને દર્દીનો ગમે તે ભોગે જીવ બચાવવાના નિર્ધાર સામે આખરે કોરોના હાંફ્યો ! અને 6 દિવસની સધન સારવાર અને હોસ્પિટલના સ્ટાફની દિવસ રાતની મહેનત અને પ્રોગ્રેસીવ સારવારના કારણે મેધનાબેન દેદૂએ કોરોનાને મ્હાત આપવામાં સફળતા મળઈ હતી.

મેધનાબેન દેદૂન લાગણીસભર સ્વરે કહે છે કે, ‘સિવિલ હોસ્પિટલના તબીબો અને અહીંના તમામ સ્ટાફની દર્દીઓ પ્રત્યેની સંવેદનશીલતા અને દેખરેખના કારણે જ આજે હું ઘરે પરત ફરીને મારી નવજાત બાળકીને જોઇ શકવા સક્ષમ બની છું. મારી બાળકીને માતાનો સ્નેહ આપવા આતુરતાથી રાહ જોઇ રહી છું આ બધુ સિવિલ હોસ્પિટલના તબીબોની તબીબી સારવાર ના કારણે શક્ય બન્યું છે.

સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી કહે છે કે, ‘સિવિલ હોસ્પિટલની કોરોના ડેડીકેટેડ 1200 બેડ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે કામ કરી રહેલા 2500 થી વધુ સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક દર્દીઓની સેવામાં તહેનાત છે. તમામ સ્ટાફમિત્રો દર્દીઓ પ્રત્યેનો સંવેદનાસભર અભિગમ દાખવીને જ પોતાની ફરજ બજાવી રહ્યા છે. આ તમામ સ્ટાફમિત્રોના અથાગ પરિશ્રમના કારણે જ મેધનાબેન દેદૂનની સફળ સારવાર જેવા અનેક કિસ્સા જોવા મળ્યા છે.જેમા અતિગંભીર સંક્રમણથી સંક્રમિત થયા બાદ પણ ઘણાંય દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે…

(11:20 pm IST)