Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

૧૦૮ને પહેલા રોજ ૬૪,૦૦૦ ફોન આવતા હતા : હવે ૧૫,૦૦૦ આવે છે

ફોનની સંખ્યામાં ઘટાડો થતા હવે વેઇટીંગમાં પણ ઘટાડો થશે તેવું માનવામાં આવી રહ્યું છે

અમદાવાદ તા. ૪ : 'ચેતતા નર સદા સુખી' કહેવત જેવો માહોલ હવે બહાર નીકળીએ ત્યારે જોવા મળી રહ્યો છે. એક સમય હતો કે કોરોના વાયરસની ગંભીરતા સમજાવવા માટે લોકોને માસ્ક, સોશિયિલ ડિસ્ટન્સિંગ વગેરે અંગે સમજાવવાની જરુર પડતી હતી. પરંતુ જે પ્રમાણે બીજી લહેર દરમિયાન સ્થિતિ બે કાબૂ બની બની તેને જોઈને લોકોએ પોતાની કાળજી વધારી દીધી. આ કારણે હવે કોરોનાના કેસમાં ધીમે-ધીમે ઘટાડો પણ નોંધાઈ રહ્યો છે. આવામાં કેસની સંખ્યામાં ઘટાડો થતા ૧૦૮ એમ્બ્યુલન્સને રોજ જે ફોન મદદ માટે આવતા હતા તેમાં પણ ઘટાડો નોંધાયો છે. સામાન્ય દિવસોમાં ૭થી ૮ હજાર ફોન આવે તેની સામે કોરોનાના કપરા કાળમાં ૬૪,૦૦૦ની આસપાર ફોન આવવા લાગ્યા હતા. પરંતુ હવે ખાનગી હોસ્પિટલોનો પણ દર્દીઓ ઉપયોગ કરી શકે છે જેના કારણે આ ફોનનો આંકડો ૧૫,૦૦૦ની આસપાસ પહોંચ્યો છે. જોકે, હજુ પણ તે સામાન્ય દિવસો કરતા વધુ જ છે.

કોરોના કાળમાં જે દર્દીઓના ઘર સુધી ૧૦૮ની એમ્બ્યુલન્સ નથી પહોંચી તેઓ સેવાને વખોડી રહ્યા છે, પરંતુ જેમને સમયસર સેવા મળી છે તેમને ખ્યાલ છે કે એમ્બ્યુલન્સ મળ્યા પછી હોસ્પિટલમાં દાખલ થવાનું આવે ત્યાં સુધીમાં તેમને ઘણી જરુરી મદદ ૧૦૮ના સ્ટાફ દ્વારા પૂરી પાડવામાં આવી છે. ૨૯મી ઓગસ્ટ ૨૦૦૭થી અત્યાર સુધીમાં એક કરોડથી વધારે લોકોને ૧૦૮ની સેવા મળી છે, ૧૩ વર્ષના સમયમાં ૧૦ લાખથી વધુ દર્દીઓના જીવ બચાવવામાં ૧૦૮ની ટીમ સફળ થઈ છે. આવામાં કોરોના કાળમાં ૧૦૮ની એમ્બ્યુલન્સની મદદ માટે હજારોની સંખ્યામાં ફોન આવ્યા. એક સમયે આ આંકડો ૬૪,૦૦૦ પર પહોંચી ગયો હતો. હોસ્પિટલમાં જગ્યા ના હોવાના કારણે દર્દીને લઈને લાઈનમાં ઉભેલી એમ્બ્યુલન્સ માટે પુનરાવર્તન કોલ્સની સંખ્યામાં પણ વધારો થયો હતો.

બીજી લહેરમાં હંફાવતો કોરોના દર્દીઓને હોસ્પિટલ જવા માટે મજબૂર કરી રહ્યો છે આવામાં એમ્બ્યુલન્સની જરુર વધી જતી હતી, આવામાં અમદાવાદમાં કોરોના સિવાય નોન-કોવિડ દર્દીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. જેને ધ્યાનમાં રાખીને ૨૫ નોન-કોવિડ ઈમર્જન્સી માટે અલગથી એમ્બ્યુલન્સ રાખવામાં આવી છે જયારે ૧૫૦ એમ્બ્યુલન્સ ઉમેરવામાં આવી છે. એટલે કે ગુજરાતમાં કુલ કાર્યરત ૮૦૦માંથી ૫૩૩ એમ્બ્યુલન્સ કોરોનાના દર્દીઓ માટે રિઝર્વ રખાઈ છે જયારે બાકીની નોન-કોવિડ દર્દીઓ માટે રાખવામાં આવી છે.

૧૦૮ એમ્બ્યુલન્સમાં દર્દીઓને હોસ્પિટલ લઈ જવામાં આવે તે દરમિયાન જરૂર પડતી પ્રાથમિક સારવારની સાથે ઓકિસજન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. એટલે કે હોસ્પિટલ પહોંચ્યા પછી જો એમ્બ્યુલન્સ લાઈનમાં ઉભી હોય ત્યારે પણ દર્દીને જરૂરી પ્રાથમિક સુવિધાઓ મળતી રહે છે.

(10:53 am IST)