Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

રાજ્યની ચાઇલ્ડ રાઇટ નેટવર્ક સહિતની 70 સ્વચ્છૈક સંસ્થાઓની અરજી : સરકારને તાત્કાલિક જવાબ રજૂ કરવા હાઇકોર્ટનો આદેશ

ગાંધીનગર: આંગણવાડીથી માંડીને સરકારી શાળાઓમાં ભણતાં બાળકોના શિક્ષણ તેમ જ જુવેનાઇલમાં રહેતાં બાળકો તથા નારી ગુહમાં રહેતી મહિલાઓને કોવિડ સંદર્ભેની સુવિધા ઉપરાંત અંધ, અપંગ અને મંદબુધ્ધિના બાળકોને કોરોનાની સારવારને લઇને ચાઇલ્ડ રાઇટ નેટવર્ક સહિતની 70 જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓ તરફથી હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ અરજી પરની સુનાવણી બાદ હાઇકોર્ટે સરકારને આ અંગે તાત્કાલિક જવાબ રજૂ કરવા માટે હુક્મ કર્યો છે.

 હાઇકોર્ટે દ્રારા દાખલ કરવામાં આવેલી સુઓમોટો રીટમાં ગુજરાતની ચાઇલ્ડ રાઇટ નેટવર્ક સહિતની 70 સ્વચ્છૈક સંસ્થાઓ દ્રારા અરજી કરવામાં આવી હતી. આ અરજીમાં અરજદારો તરફથી એડવોકેટ આનંદ યાજ્ઞિકે એવી રજૂઆત કરી હતી કે, ગુજરાતમાં 30 લાખ જેટલાં છ વર્ષથી નાના બાળકો આંગણવાડીમાં ભણે છે. પણ હાલ સ્કૂલો અને આંગણવાડી બંધ છે. તેથી આંગણવાડીમાં ભણતાં બાળકોને અનાજ સહિતની સુવિધાઓ આપવા માટેની જે વ્યવસ્થા છે તે મજબૂત કરવામાં આવે. તે જ રીતે સરકારી અને ગ્રાન્ટેડ ઇન સ્કૂલોમાં 70 લાખ વિદ્યાર્થી ભણે છે. જેમાં લાખ્ખો વિદ્યાર્થીઓ પાસે ઇન્ટરનેટ અને સ્માર્ટ ફોનની સેવા નથી જો કે સરકારે તેમને ભણાવવા માટેનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સરકારની ઓનલાઇ સીસ્ટમ નબળી હોવાના કારણે તેમને ત્રણથી ચાર ચોપડાં આપવામાં આવ્યા હતા. પરંતુ તે પુરતા નથી. તેમની ગુજરાત સરકારે ચિંતા કરવી જોઇએ.

વધુમાં એડવોકેટ આંનદ યાજ્ઞિકે એવો મુદ્દો રજૂ કર્યો હતો કે, ધો.9થી 12માં 43 લાખ વિદ્યાર્થીઓ ભણે છે. ધો. 10 અને 12ના વિદ્યાર્થીઓને યોગ્ય ભણતર મળી રહે તે બહુ જરૂરી છે. તેમને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે છે. પરંતુ તે નબળું હોવાથી આવા બાળકોને જરુર પડે તો એકલવ્ય સ્કૂલો કે જે સેલ્ફ ફાયનાન્સ છે. તેમની સાથે ગુજરાત સરકારે પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપ કરીને પ્રાઇવેટ સ્કૂલોમાં જે શિક્ષણ વિદ્યાર્થીઓને મળે છે તે જ શિક્ષણ આ બાળકોને મળે તે માટેની વ્યવસ્થા ઊભી કરવી જોઇએ.

આ ઉપરાંત સર્ગભા મહિલાઓને કોરોના થાય છે તો તેમના માટે અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેમ જ ઘણાં કુંટુંબમાં પરિવારના મોટા સભ્યોને કોરોના થાય તો તેમના સંતાનોને તેમના સંબંધીઓ કે મિત્રો ડરના માર્યા રાખતાં ગભરાય છે. આવા સમયે આવા બાળકો માટે મોટી સ્કૂલોમાં કે પછી કોર્પોરેટ હાઉસમાં રહેવાની ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે.

એડવોકેટ આનંદ યાજ્ઞિકે એવો પણ મુદ્દો ઉપસ્થિત કર્યો હતો કે, જુવેનાઇલ હોમ્સમાં રહેતાં 6થી 18 વર્ષના બાળકો રહે છે તેમના પણ કોરોના ટેસ્ટીંગ તથા ટ્રીટમેન્ટમાં આવરી લેવામાં આવે. ઉપરાંત તેમના ભણતરની વ્યવસ્થા કરવામાં આવે. જયારે નારી ગુહમાં 18 વર્ષથી વધુ વયની સ્ત્રીઓ રહે છે. ઘણી સ્ત્રીઓની સાથે 1 થી 6 વર્ષના ભૂલકાં પણ હોય છે. તેમના પણ કોવિડ ટેસ્ટ તથા વેકસીનેશનની વ્યવસ્થા હોવી જોઇએ. તેમ જ વિશેષ કરીને ગુજરાતમાં અંધ, અપંગ, મંદબુધ્ધિના બાળકોને કે તેમના મા/બાપને કોરોના થાય તો તેઓ મા/બાપ વગર હોસ્પિટલમાં રહી શકતા નથી તેમના માટે ઘરે જ સારવાર, ઓક્સીજનથી લઇને રેમડેસીવીર ઇન્જેકશન વગેરે મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઇએ. અરજદારની રજૂઆતને ધ્યાનમાં લઇને હાઇકોર્ટે ઉપરોક્ત હુક્મ કર્યો હતો.

(11:18 pm IST)