Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

સુરત સહિત ગુજરાતમાં હિમાચલ પ્રદેશથી ચરસ ઘુસાડવાનું કાવત્રું

મુળ અમેરલી પંથકની એક યુવતી સહિત ત્રણ શખ્સોની પૂછપરછમાં સ્ફોટક કબૂલાત : ડ્રગ્સ મુકત સુરતના પોલીસ કમિશ્નર અને લોકોના અભિયાન પર પાણી ફરી જાય તેવી ચાલ ખુલ્લી : મુળ અમરેલીના વતની અને એક યુવતી સહીત પાંચ શખ્સોની એસીપી ક્રાઈમ આર.આર.સરવૈયાની પૂછપરછમાં સ્ફોટક કબૂલાત

રાજકોટ તા.૩: સુરતના યુવાધનને નશાની ગર્તામાં ધકેલાતા રોકવા માટે પોલીસ કમિશનર અજય કુમાર તોમર ટીમ દ્વારા ચાલતા અથાગ પ્રયાસો પર જાણે ઠંડુ પાણી રેડવું હોય તેમ સુરત પંથકના કેટલાક વોન્ટેડ શખ્સ દ્વારા હિમાચલપ્રદેશ જેવા રાજ્યોમાંથી સુરત સહિત ગુજરાતમાં ડ્રગ્સ ઘુસડાઈ રહ્યાનું અજયકુમાર તોમરના ધ્યાને આવતા આ માટે વિશેષ જવાબદારી એસઓજી બ્રાંચને સુપરત કરેલ જેમાં મોટી સફળતા સાંપડી છે.                                 

પોલીસ કમિશનર દ્વારા અપાયેલ સૂચના આધારે એસઓજી પીઆઈ.આર.એસ. સુવેરા, વી. સી.જાડેજા ટીમ દ્વારા બાતમીદારો અને ટેકનિકલ સરવેલન્સ કામે લગાડી દીધેલ. આ દરમ્યાન અમરોલી,મોટા વરાછા,અબ્રામા ચેક પોસ્ટ રસ્તેથી એક ફોર વ્હીલ પસાર થનાર છે. આ બાતમી આધારે પેટ્રોલિંગ ગોઠવી એક શંકાસ્પદ કારને રોકી ચેક કરતા પોલીસની મહેનત ફળી હતી. પોલીસ દ્વારા અતુલ પાટીલ, મહારાષ્ટ્ર,જેનીશ પટેલ સુરત તથા મૂળ અમરેલી જિલ્લાની એક યુવતી વી.ની આરોપી તરીકે અટક કરેલ. આરોપીઓ દ્વારા હિમાચલપ્રદેશથી ચરસ લાવી વેચતા હોવાની કબૂલાત આપી હોવાનું પોલીસ સૂત્રો જણાવે છે. દરમ્યાન હીમાચલ પ્રદેશથી ગુજરાત ઘુસાડવામાં આવતા ચરસ જથ્થો સુરત સિવાય અન્ય શહેરોમાં પણ યુવા ધનને બરબાદ ન કરી શકે તે માટે  વોન્ટેડ શખ્સોને ઝડપવા માટે પોલીસ કમિશનર અજય તોમર અને એડી.પોલીસ કમિશનર શરદ સિંઘલ અને ડીસીપી રાહુલ પટેલ દ્વારા અત્યાર સુધી અનેક દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા શખ્સોને પોતાના વિશાળ બાતમી વર્તુળ આધારે ઝડપી લેનાર એસીપી ક્રાઇમ આર. આર.સરવૈયાને જવાબદારી સુપરત કરતા તેમની ટીમ દ્વારા વધુ ૨ આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી છે.જેઓના નામ જીજ્ઞેશ ઉર્ફમાસા તથા હાર્દિક હોવાનું જાણવા મળે છે,વિશેષ પૂછપરછ ચાલે છે.

(11:51 am IST)