Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

સુરતના જીત ત્રિવેદીએ શતરંજના ૩૨ મહોરાઓને આંખે પાટા બાંધીને ચેસ બોર્ડ પર માત્ર ૧.૦૨ મિનિટમાં ગોઠવ્યા : નોંધાવ્યો વર્લ્ડ રેકોર્ડ

‘બ્લાઈન્ડ ફોલ્ડેડ વન્ડર બોય’ તરીકે પ્રખ્યાત જીત ત્રિવેદી આંખે પાટા બાંધીને ચેસ સિવાયના વિવિધ ક્ષેત્રમાં પણ ૭ વર્લ્ડ રેકોર્ડ નોંધાવી ચૂક્યો છે.

આગામી જુલાઈ માસમાં ચેન્નાઈના મહાબલિપુરમ ખાતે યોજાનાર ૪૪મા ચેસ ઓલિમ્પિયાડની સૌપ્રથમ ટોર્ચ રિલે સુરત આવી પહોંચી હતી, ત્યારે સુરતના ઈન્ડોર સ્ટેડિયમમાં યોજાયેલા સ્વાગત કાર્યક્રમમાં સુરતના ૨૪ વર્ષીય જીત વિપુલભાઈ ત્રિવેદીએ શતરંજના ૩૨ મહોરાઓને આંખે પાટા બાંધીને માત્ર ચેસ બોર્ડ પર ૧.૦૨ મિનિટમાં ગોઠવીને ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે દાવેદારી નોંધાવી છે. ભારતમાં ‘બ્લાઈન્ડ ફોલ્ડેડ વન્ડર બોય’ તરીકે પ્રખ્યાત જીત ત્રિવેદી આંખે પાટા બાંધીને ચેસ સિવાયના વિવિધ ક્ષેત્રમાં પણ ૭ વર્લ્ડ રેકોર્ડ નોંધાવી ચૂક્યો છે.

સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, જિલ્લા કલેક્ટર આયુષ ઓક તેમજ રમતગમત વિભાગના અધિકારીઓ, સિનીયર કોચ, ગ્રાન્ડ માસ્ટરો અને સુરતની જુદી જુદી શાળાઓના ૧૦૦૦ જેટલા વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં સુરતમાં તેણે વર્લ્ડ રેકોર્ડનો સફળ પ્રયાસ કર્યો છે. જીતની આંખ બંધ કરીને તેના પર રૂ, સ્ટીલ પ્લેટ અને કાળો પાટો બાંધવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે ચેસના ૧૬ સફેદ અને ૧૬ કાળા એમ કુલ ૩૨ મહોરાને માત્ર ૧.૦૨ મિનિટમાં ગોઠવીને વધુ એક વિશ્વવિક્રમ સ્થાપિત કર્યો છે. ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ગાઈડલાઈન્સ મુજબ આ રેકોર્ડ નોંધાવવા માટે ૧.૫૦ મિનિટની સમયમર્યાદા નિયત કરાઈ હતી, જેની સામે જીતને ૧.૦૨ મિનિટનો સમય લાગ્યો હતો. સૌએ જીતની કુશળતાને બિરદાવી હતી. આ સાથે નિયત પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, લિમ્કા બુક અને ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન મળશે.

 

(9:11 pm IST)