Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

રાજપીપળામાં તા.૬ ઠ્ઠી થી તા.૧૨ મી જુલાઇ સુધી સખી મેળો અને વંદે ગુજરાત વિકાસયાત્રા પ્રદર્શન ખુલ્લુ મુકાશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહ અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા તા.૬ ઠ્ઠી થી તા.૧૨ મી જુલાઇ,૨૦૨૨ દરમિયાન રાજપીપલામાં શ્રી અંબુભાઇ પુરાણી વ્યાયામ સંકુલ ખાતે સખી મેળો અને  “વંદે ગુજરાત ૨૦ વર્ષની વિકાસયાત્રા” અંતર્ગત યોજાનારા આશરે ૫૦ જેટલાં સ્ટોલ્સ સાથેના પ્રદર્શનનું સુચારૂં આયોજન ઘડી કઢાયું છે. તા.૬ ઠ્ઠીએ સાંજે ૦૫:૦૦ કલાકે સખી મેળો અને  “વંદે ગુજરાત વિકાસયાત્રા પ્રદર્શન” વરિષ્ઠ પદાધિકારીઓ, અધિકારીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખૂલ્લુ મુકાશે, જે તા.૧૨ મી જુલાઇ સુધી સવારના ૧૦:૦૦ થી રાત્રિના ૦૯:૦૦ વાગ્યા સુધી જાહેર જનતા માટે ખૂલ્લુ રહેશે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એલ.એમ. ડિંડોડના અધ્યક્ષપદે નર્મદા જિલ્લા પંચાયત ભવન ખાતે નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક એન.સી.ચૌધરી, જિલ્લા પુરવઠા અધિકારી એન.યુ.પઠાણ, નાયબ પશુપાલન નિયામક ડૉ.જે.આર.દવે સહિત સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં અપાયેલી જાણકારી મુજબ “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણીના ભાગરૂપે જુદા જુદા સરકારી વિભાગો દ્વારા જે તે સ્ટોલમાં ગુજરાતના ૨૦ વર્ષની વિકાસયાત્રા પ્રદર્શિત કરવા ઉપરાંત યોજનાકીય લાભો અંગેની જાણકારીના સાહિત્ય-પેમ્પલેટ્સ વગેરેનું વિતરણ કરાશે.
તદ્ઉપરાંત ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિ. દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવીકા મિશન હેઠળ કાર્યરત ગ્રામીણ મહિલા સ્વસહાય જૂથો અને સખી મંડળો દ્વારા ઉત્પાદિત વિવિધ ચીજ-વસ્તુઓના પ્રદર્શન સાથે તેનું વેચાણ કરાશે. આ મેળાની ચીજ વસ્તુઓના વેચાણથી સ્વ-સહાય જૂથોની મહિલાઓને આર્થિક મદદ મળી રહેશે. “વંદે ગુજરાત પ્રદર્શન” નાગરિકો માટે માહિતીપ્રદ અને ઉપયોગી બની રહેશે રાજપીપળાના નગરજનો સહિત નર્મદા જિલ્લાવાસીઓને આ સખી મેળો અને વંદે ગુજરાત પ્રદર્શનનો બહોળી સંખ્યામાં લાભ લેવા જિલ્લા પ્રસાશન તરફથી જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

(10:17 pm IST)