Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

ગાંધીનગર શહેર નજીક સરઢવમાં પુત્રીને લઈને ઘરે જતી સાસુ પર જમાઈએ દાતરડાથી હુમલો કરતા પોલીસ ફરિયાદ

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા સરઢવ ગામમાં રહેતા વૃદ્ધા ગઈકાલે જલુંદ ગામે પરણાવેલી પુત્રીને લેવા માટે ગયા હતા તે દરમિયાન રસ્તામાં બાઈક લઈને પહોંચેલા જમાઈએ દાતરડાથી સાસુ ઉપર હુમલો કરતા ચકચાર મચી છે. આ મામલે પોલીસે ગુનો દાખલ કરીને જમાઈની ધરપકડ માટે દોડધામ શરૃ કરી છે.

આ અંગે મળતી વિગતો પ્રમાણે સરઢવ ગામમાં રહેતા લીલાબેન લક્ષ્મણજી ઠાકોરે ફરીયાદ નોંધાવી હતી કે, તેમની પુત્રી આશાના લગ્ન આઠ વર્ષ અગાઉ જલુંદ ગામે રહેતા બળદેવજી લાલાજી ઠાકોર સાથે થયા હતા. ગઈકાલે તેઓ ઘરે હાજર હતા તે સમયે તેમની પુત્રી આશાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે તેના પતિ બળદેવજી છેલ્લા ત્રણ દિવસથી ગાળો બોલીને તેને માર મારી રહ્યા છે. જેના પગલે લીલાબેન ગામમાંથી રીક્ષા કરીને જલુંદ ગામે પહોંચ્યા હતા દીકરી સાથે વાતચીત કર્યા બાદ તેણીને રિક્ષામાં લઈને તેઓ સરઢવ ગામે આવવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન જલુંદથી સરઢવ જવાના માર્ગ ઉપર તેમની રીક્ષા પસાર થઈ રીતે તે સમયે જમાઈ બળદેવજી બાઈક લઈને ત્યાં આવી પહોંચ્યા હતા અને સાસુ લીલાબેન ઉપર દાતરડાથી હુમલો કરી દીધો હતો. જેથી રીક્ષા ચાલક વચ્ચે પડયો હતો અને આ દરમિયાન બળદેવજી આશાબેનને બાઈક પર બેસાડી ઘરે પહોંચી ગયા હતા. જ્યારે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઘાયલ લીલાબેનને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તેમની ફરિયાદના આધારે પેથાપુર પોલીસે બળદેવજી ઠાકોર સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.

(4:50 pm IST)