Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

નડિયાદમાં પાલિકાની ટિમ દ્વારા શેરકંડ તળાવમાં બનાવવામાં આવેલ 70 દુકાનો પર બુલડોઝર ફેરવ્યું

નડિયાદ: નડિયાદ નગરપાલિકા દ્વારા શેર કંડ તળાવ નજીક કાંસ ઉપર શોપિંગ સેન્ટર બનાવવામાં આવ્યું છે. વર્ષો પહેલા બાંધવામાં આવેલ દુકાનો જર્જરિત થઈ ગઈ હોઇ નગરપાલિકા દ્વારા દુકાનો ખાલી કરવા તોડી પાડવા નોટિસ આપી હતી. જે પૈકીની બે દુકાનોને સ્લેબ શુક્રવારે રાત્રે કડડભૂસ થઇ તૂટી પડયો હતો. સદનસીબે રાત્રે દુકાનો ધરાશયી થતા કોઈ જાનહાની થઈ નથી. આ ઘટનાને પગલે નગરપાલિકા દ્વારા આજે સવારથી જર્જરિત થયેલી ૭૦ દુકાન તોડી પાડવા કામગીરી હાથ ધરી છે. નડિયાદ શહેરમાં ઠેર ઠેર કાંસ પર શોપિંગ સેન્ટરની દુકાનોનું બાંધકામ કરવામાં આવ્યું છે. જે પૈકી ઘણી દુકાનો જર્જરિત હાલતમાં છે. જેને ધ્યાનમાં લઇ પાલિકા તંત્ર દ્વારા સ્ટ્રક્ચર એજન્સી લેબોરેટરી દ્વારા  શેરકંડ તળાવ કાંસ ઉપરની દુકાનોના સ્લેબનું પરીક્ષણ કરાવતા સ્લેબ ગમે ત્યારે તૂટી પડવાની દહેશત વ્યક્ત કરવામાં આવી હતી. જેથી નગરપાલિકા દ્વારા શેર કંડ તળાવ નજીક કાંસ પરની જજરીત થઈ ગયેલી દુકાનો ખાલી કરી તોડી પાડવા નોટિસ પાઠવી હતી. આમ છતાં દુકાનદારોએ દુકાનો ખાલી ન કરતા નગરપાલિકા દ્વારા તા.૨૯/૬/૨૨ના રોજ ૭૦ જેટલી દુકાનોના વીજ કનેક્શન કાપી નાખ્યા હતા. આ દરમિયાન શેરકંઠ તળાવ કાંસ ઉપરની દુકાન નં.૫૫ અને ૫૬ ની છત પરનો સ્લેબ ભારે ધડાકા સાથે તૂટી પડયો હતો. આ બનાવના પગલે અફરાતફરી મચી જવા પામી હતી. સદનસીબે રાત્રી સમયે દુકાનમાં કોઈ ન હોઈ જાનહાની સર્જાઈ ન હતી.  નગરપાલિકા દ્વારા જર્જરિત દુકાનો તૂટી પડવાથી જાનહાની તેમજ નુકસાન થવાની સંભાવના દર્શાવતી નોટિસ પાઠવવા છતાં દુકાનદારોએ નોટિસ ગંભીરતાથી ન લેતા બે દુકાનો ઘરાશયી થવાની ઘટના બની હતી. આ દુકાનો ધરાશાયી થતા આ લાઇન મા દુકાનો તોડી પાડવાની નોટિસ આપેલી દુકાનદારોએ સ્પેરપાર્ટ જેવી સાધન સામગ્રી કાઢી દુકાનો ખાલી કરી દીધી હતી. આજે સવારે નગરપાલિકાની ટીમ દ્વારા જે દુકાનદારોને નોટિસ પાઠવી છે તે જર્જરિત થઈ ગયેલ દુકાનોને જેસીબીથી  તોડી પાડવાની કામગીરી હાથ ધરી હતી. આ લખાય છે ત્યારે જજરીત દુકાનો તોડી પાડવાની કામગીરી ચાલી રહી છે. આમ નગરપાલિકા દ્વારા જર્જરિત દુકાનો તોડી પાડવાની કામગીરી શરૂ કરતાં અન્ય દુકાનદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

(4:50 pm IST)