Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

સુરત:મોબાઈલમાં ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમાડવા કરોડોની આઈડી બનાવનાર આધેડને પોલીસે રંગે હાથે દબોચ્યો

સુરત, : મોબાઈલ ફોનમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમાડવા માટે વિદેશમાં કરોડોમાં આઈડી બનાવડાવી સમગ્ર ગુજરાતમાં વેચતા નાનપુરા માછીવાડના ગજાનંદ ઉર્ફે ગજ્જુ ટેલર પાસેથી આઈડી ખરીદી વેચતા આધેડને મહિધરપુરા પોલીસે બેગમપુરા ચીડીયાકુઈમાંથી ઝડપી પાડી બે મોબાઈલ ફોન અને રોકડા રૂ.6300 કબજે કર્યા હતા. પુછપરછમાં તેણે કમિશન લઈ ચારને આઈડી વેચ્યાની કબૂલાત કરી હતી. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મહિધરપુરા પોલીસે હેડ કોન્સ્ટેબલ વેલજીભાઈ અને વિરેન્દ્રસિંહને મળેલી બાતમીના આધારે આજે બપોરે બેગમપુરા ચીડીયાકુઈ નુરહાની કોમ્પલેક્ષની નીચે રોડ પર ઉભા રહી પોતાના મોબાઈલ ફોનમાં ઇંગ્લેન્ડ-ભારતની મેચ પર સટ્ટો રમતા અને સ્થાનિક કેબલમાં નોકરી કરતા 50 વર્ષીય આબેદીન હૈદરભાઈ ડોક્ટર ( રહે.એ/407, નુરહાની કોમ્પ્લેક્ષ, ચીડીયાકુઈ, બેગમપુરા, સુરત ) ને ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસેથી બે મોબાઈલ ફોન અને રોકડા રૂ.6300 મળી કુલ રૂ.17,300 નો મુદ્દામાલ કબજે કરી બંને મોબાઈલ ફોન ચેક કરતા એક મોબાઈલ ફોનની આઈડીમાંથી રૂ.18,088 નું અને બીજા મોબાઈલ ફોનની આઈડીમાંથી રૂ.20,072 નું બેલેન્સ મળ્યું હતું. આબેદીને બંને આઈડી કોની પાસેથી ખરીદી તે અંગે પોલીસે પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેણે બંને આઈડી સટોડીયાઓમાં મોટું નામ ગણાતા ગજાનંદ ઉર્ફે ગજ્જુ જશવંત ટેલર ( રહે.માછીવાડ, નાનપુરા, સુરત ) પાસેથી ખરીદી હતી.બાદમાં તેણે આઈડી કમિશનથી અન્ય ચાર ગુલામ કમાલ બેકરીવાળા, ગિરીશ, ખોજમ ઉકાણી અને મુજજબીલને વેચી પણ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ ગજાનંદ ઉર્ફે ગજ્જુ વિદેશમાં આવી આઈડી બનાવડાવી તેના બે સાગરીત જેક અને પિયુષ મારફતે આબેદીન જેવા સેંકડો લોકોને આખા ગુજરાતમાં વેચે છે.મહિધરપુરા પોલીસે ગજાનંદ ઉર્ફે ગજ્જુ, ગુલામ કમાલ બેકરીવાળા, ગિરીશ, ખોજમ ઉકાણી અને મુજજબીલને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

(4:51 pm IST)