Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

અમદાવાદના સાણંદ પંથકના ગણાસર ગામે દુર્લભ સારસ પક્ષીએ ખેતરમાં મુકેલા ઇંડાનું ગામ લોકો રક્ષણ કરતા હતા પણ ડુક્કરોએ ઇંડા તોડી નાખ્‍યા

પક્ષીપ્રેમી સરપંચ અને તેમના પત્‍ની રોજ ઇંડાના સ્‍થળે મુલાકા લેતા, અંતે નિરાશ થયા

અમદાવાદઃ અમદાવાદના સાણંદ પંથકના સણાસર ગામમાં દુર્લભ પક્ષી સારસે ખેતરમાં ઇંડા મુકતા ગામલોકો તે ઇંડાનું જતન કરતા. ગામના સરપંચ અને તેમના પત્‍ની પણ અવારનવાર મુલાકાત લેતા પરંતુ જંગલી ડુક્કરોએ ઇંડાને તોડી નાખતા પક્ષીપ્રેમી ગ્રામજનો નિરાશ થયા હતા.

અમદાવાદ પાસેના સાણંદ પાસેના ગણાસરના લોકો દુખી થવાના સમાચાર સામે આવ્યા છે. આ ગામમાં પક્ષીના ઈંડા તૂટ્યા હતા. આ ઈંડા કોઈ સામાન્ય પક્ષીના ન હતા, પરંતુ સારસ પક્ષીના હતા. જંગલી ડુક્કરોએ સારસ પક્ષીના ઈંડા તોડી નાંખ્યા હતા. જેથી ગામ લોકો નિરાશ થયા હતા. કારણ કે, ગણાસર ગામના લોકો 55 દિવસથી સારસના ઈંડાનું રક્ષણ કરી રહ્યા હતા, અને તેમની મહેનત પર ડુક્કરોએ પાણી ફેરવી દીધુ હતું.

સાણંદથી 8 કિમી દૂર ગણાસર ગામ આવેલું છે. ગત કેટલાક દિવસોથી ગણાસર ગામના સરપંચ ભોજાજી ઠાકોર અને તેમના પત્ની કંચન એક જ કામમાં વ્યસ્ત હતા. તેઓ રોજ સવારે 5.30 કલાકે ગુજરાતના ગણાસર ગામમાં આવતા હતા. અહીના સ્થાનિક લોકો સતત 55 દિવસથી સારસે ખેતરમાં મૂકેલા બે ઈંડાની રખેવાળી કરી રહ્યા હતા. 24 કલાક તેના પર દેખરેખ થઈ રહી હતી. છતાં જંગલી ડુક્કર ખેતરમાં ઘૂસી ગયા હતા અને સારસના ઈંડાને તોડી પાડ્યા હતા. આ સાંભળીને ગામ લોકો દુખી થયા હતા.

કારણ કે, ઈંડાને સુરક્ષિત રાખવા માટે ગામ લોકોએ રાતદિવસ મહેનત કરી હતી, જેના પર પાણી ફરી વળ્યુ હતું. ઈંડા સુરક્ષિત રહે તે માટે લોકોએ ખેતરમાં પાણી ભરી દીધું હતું. ખેતરનો એ વિસ્તાર જ્યા સારસે ઈંડા આપ્યા હતા ત્યા જવા પર મનાઈ ફરમાવાઈ હતી. ત્યાં ખેડૂતોએ કાપણી પણ કરી ન હતી. છતાં જંગલી ડુક્કર તેમાં ઘૂસી ગયા હતા.

55 દિવસથી મહેનત કરી રહેલા ગામ લોકો સારસના બચ્ચાની ઈંડામાંથી બહાર આવવાની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ તેમને તૂટેલા ઈંડા મળ્યા હતા.

ગણાસરના ગામના લોકોની સારસના ઈંડા પાછળ આટલી મહેનત કરવાનુ કારણ એ છે કે, સારસ લુપ્ત પ્રજાતિમાં આવે છે. ગુજરાત વન વિભાગની 2010 માં થયેલી ગણતરી અનુસાર, તેની સંખ્યામાં રાજ્યમાં હવે 1900 જ બચી હતી. સંખ્યામાં ઘટાડો આવતા વન વિભાગ તેના માટે પ્રયાસો કરી રહ્યુ છે.

(5:17 pm IST)