Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

અમદાવાદ કોર્પોરેશનમાં કાળા જાદુના મામલે સસ્‍પેન્‍ડેડ કોંગ્રેસી કોર્પોરેટર જમનાબેન વેગડાના કાર્યાલયનું કોંગ્રેસ પ્રમુખ નીરવ બક્ષી દ્વારા ઉદ્‌ઘાટન કરાતા વિવાદ થયો

કોર્પોરેશનના વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણ પર કાળો જાદુ કરવાને લઇ જમનાબેનનો વીડિયો વાયરલ થયો હતો

અમદાવાદઃ અમદાવાદ કોર્પોરેશનના કોંગ્રેસી કાર્યકર જમનાબેન વેગઠાનો થોડા સમય પહેલા વિપક્ષી નેતા શહેઝાદ ખાન પઠાણ પર કાળો જાદુ કરવાનો વીડિયો સોશ્‍યલ મીડિયામાં વાયરલ થતા તેમને સસ્‍પેન્‍ડ કર્યા હતા. જમનાબેને રહેણાંક વિસ્‍તારમાં કાર્યાલય ખોલતા તેમનું ઉદ્‌ઘાટનમાં શહેર કોંગ્રેસ પ્રમુખ નીરવ બક્ષી હાજર રહેતા વિવાદ સર્જાયો છે.

અમદાવાદ કોર્પોરેશનમાં વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણ સામે કાળો જાદૂ કરવાને લઈને ચર્ચામાં આવેલા કોર્પોરેટર જમનાબેન વેગડાને કોંગ્રેસે ફેબ્રુઆરી મહિનામાં પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. પરંતુ આજે શહેર કોંગ્રેસ પ્રમુખ નીરવ બક્ષીએ દાણીલીમડા વોર્ડના કોર્પોરેટર જમનાબેન વેગડાના જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરતા વિવાદ સર્જાયો છે. ઉદ્ઘાટન સમયની સામે આવેલી તસવીરમાં કમળાબેન કોંગ્રેસનો ખેસ પહેરીને પણ જોવા મળી રહ્યાં છે.

વિવાદમાં આવ્યા બાદ પાર્ટીએ કર્યા હતા સસ્પેન્ડ

અમદાવાદ કોર્પોરેશનમાં વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણ પર કાળો જાદૂ કરવાને લઈને જમનાબેન વેગડા વિવાદમાં આવ્યાં હતા. તેમનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. ત્યારબાદ આજે શહેર કોંગ્રેસ પ્રમુખ સસ્પેન્ડ કરાયેલા કોર્પોરેટરના જનસંપર્ક કાર્યાલયના ઉદ્ઘાટનમાં પહોંચી જતા વિવાદ શરૂ થયો છે. આ કાર્યક્રમમાં કોંગ્રેસના અન્ય કોર્પોરેટરો પણ હાજર રહ્યાં હતાં.

લોકાપર્ણ કરવામાં આવેલા કાર્યાલયનું બાંધકામ જ ગેરકાયદેસર

તો મહિલા કોર્પોરેટરે કાર્યાલયનું નિર્માણ કર્યું તે ગેરકાયદેસર છે. તેમણે રહેણાંક સોસાયટીમાં આ કાર્યાલય ઉભુ કર્યું છે. આ માટે એએમસી દ્વારા બે વખત નોટિસ પણ આપવામાં આવી છે. તો જમનાબેનના કાર્યાલયના ઉદ્ઘાટનમાં શહેર પ્રમુખે હાજરી આપતા કોંગ્રેસે ગંભીર નોંધ લીધી છે. કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ નીરવ બક્ષીને ઠપકો પણ આપ્યો છે, જેમ સૂત્રોએ જણાવ્યું હતું.

ઉદ્ઘાટન સમયે અન્ય કોર્પોરેટરો રહ્યાં હાજર

જમનાબેન વેગડાના જનસંપર્ક કાર્યાલયના ઉદ્ઘાટનમાં ખુદ કોંગ્રેસના અન્ય કોર્પોરેટરો પણ હાજર રહ્યાં હતા. પક્ષમાંથી સસ્પેન્ડ થયેલા હોવા છતાં જમનાબેને પાર્ટીનો ખેસ પહેર્યો હતો. આ કાર્યક્રમમાં બરેરામપુરા વોર્ડના કોર્પોરેટર કમળાબેન ચાવડા, તસ્લિમ આલમ તીર્મિઝી, દરિયાપુરના કોર્પોરેટર માધુરી કલાપી અને ગોમતીપુર વોર્ડના કોર્પોરેટર સહિત અન્ય કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યાં હતા.

(5:25 pm IST)