Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

સુરત પોલીસે ચીકલીગર ગેંગના મુખ્‍ય સુત્રધાર કુખ્‍યાત પ્રવિણ રાઉતને ચાર વર્ષે બિહારથી દબોચી લીધો

પોલીસની ટીમ અને ચીકલીગર ગેંગની ધરપકડના દ્રશ્‍યો સોશ્‍યલ મીડિયામાં વાયરલ થયા

સુરતઃ સુરત પંથકમાં અનેક ગંભીર ગુન્‍હાઓને અંજામ આપનારી ચીકલીગર ગેંગને ગુજરાત પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ચીકલીગર ગેંગ પકડવામાં સુરત પોલીસ માટે પડકારજનક બનેલ કુખ્‍યાત પ્રવિણ રાઉત બિહારમાંથી ઝડપાતા રાજ્‍યમંત્રી હર્ષભાઇ સંઘવીએ પોલીસની કામગીરીના વખાણ કરી બંને ટીમને ઇનામ આપવાની જાહેરાત કરી છે.

ગુજરાત પોલીસને તાજેતરમાં જ ચીકલીગર ગેંગ પકડવામાં સફળતા મળી છે. તો સુરત પોલીસ માટે પડકારરૂપ બનેલો કુખ્યાત પ્રવીણ રાઉત ચાર વર્ષે બિહારથી પકડાયો છે. ત્યારે ગુજરાત પીલોસની બેવડી સફળતાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ સંબોધીને બંને ટીમ માટે ઈનામની જાહેરાત કરી હતી.

ચીકલીગર ગેંગ તેમજ પ્રવીણ રાઉતની પકડાયા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસની કામગીરીના વખાણ કર્યા હતા. સાથે જ તેમને પ્રોત્સાહિત કરવા માટે બંને ટીમ માટે ઈનામની પણ જાહેરાત કરી છે. પ્રવીણ રાઉતને પકડનારી ટીમને બે લાખના ઈનામની જાહેરાત કરાઈ છે. તેમજ ચીકલીગર ગેંગને પકડનારી ટીમને એક લાખ ઈનામની જાહેરાત કરી છે.

આ જાહેરાત કરતા હર્ષ સંઘવીએ કહ્યુ હતું કે, પ્રવીણ રાઉત ગુજરાતના અનેક ગુનામાં વોન્ટેડ હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને તેને પકડવા બદલ અભિનંદન આપું છું. મુખ્યમંત્રીએ મને તેના વિશે માહિતી મેળવવા કહ્યું હતું. હું એવા રાજ્યનો ગૃહમંત્રી છું, જ્યાં પોલીસ જીવન જોખમે કામ કરે છે. હું રાજ્યના નાગરિક તરીકે પણ પોલીસની ટીમને અભિનંદન આપું છું. ચીકલીગર ગેંગની ધરપકડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને લાખો લોકોએ જોયો. બંને ટીમના ઓપરેશનની માહિતી મેં લીધી છે. બંને ઓપરેશન માટે પોલીસની ટીમે 600 સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. તો 72 કલાક ઊંઘ્યા વગર કામગીરી કરી હતી. ગુજરાત પોલીસના કારણે ગુજરાત દેશનું શાંતિપ્રિય રાજ્ય બન્યું છે. પોલીસે પોતાને મળેલા તમામ અધિકારોનો ઉપયોગ કરી શહેરમાં શાંતિ જાળવવાનો પ્રયાસ કર્યો છે. તેથી બંને ટીમોને પ્રોત્સાહિત ઈનામ અપાયા છે.

(5:22 pm IST)