Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

પાટણ જીલ્લા કિસાન સંઘ પડતર માંગણીઓને લઈ મેદાને ઉતર્યું : જીલ્લા પ્રશાસનને આવેદનપત્ર આપવામાં આવ્યું

આવેદનપત્ર પૂર્વે જીલ્લા કિસાન સંઘ દ્વારા સિંધવાઇ માતાના મંદિર સંકુલ ખાતે પ્રતિક ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

પાટણ તા.04 : પાટણ જીલ્લા કિસાન સંઘ દ્વારા સિંધવાઇ માતાના મંદિર સંકુલ ખાતે પ્રતિક ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે બાદ સ્થાનીક માંગણીઓના મુદ્દે જીલ્લા પ્રશાસનને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં આવે સમાન વીજદર સહિતની માંગણીઓ કરાવમાં આવી હતી.

જીલ્લાના ખેડૂતોને મીટર આધારીત વીજદરને હોર્સપાવર આધારીત ભાવથી વીજ પુરવઠો આપી સમાન વીજદર નકકી કરવામાં આવે તે સહિતની અન્ય સ્થાનીક માંગણીઓ મુદ્દે જીલ્લાના 100 થી વધુ ખેડૂત પરીવારો તેમજ પાટણ જીલ્લા કિસાન સંઘ સમાન વીજદરની માગણી સાથે રેલી સ્વરુપે જીલ્લા કલેકટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા. જયાં આગેવાનોની સૂચના અનુસાર, ખેડૂતો દ્વારા કલેકટર કચેરીના પ્રવેશ દ્વાર આગળ પણ પ્રતિક ધરણા યોજી પોતાની માંગ બુલંદ કરી હતી.

​​​​​​​આવેદનપત્રમાં જણાવ્યા મુજબ પાટણ જીલ્લાના ખેડૂતોને વિજપુરવઠો હોર્સપાવર અને મીટર આધારીત આપવામાં આવે છે. જેમાં વીજદરની અસમાનતાને લઇ ખેડૂતોને વીજબીલ ભરવા માટે મોટુ નુકસાન ભોગવવું પડે છે. ત્યારે મીટર આધારીત ખેડૂતોને પણ હોર્સ પાવર આધારીત ભાવથી વીજપુરવઠો આપી સમાન વીજદર નકકી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

આ પ્રસંગે ભારતીય કિસાન સંઘના જગમાલ આચાર્યએ જણાવ્યું હતું કે, જો સરકાર દ્વારા ખેડૂતો માટે સમાન વીજદરનો ત્વરીત નિર્ણય કરવામાં નહી આવે તો આગામી સમયમાં ચલો ગાંધીનગરનો કાર્યક્રમ યોજી ગાંધીનગરને ઘેરાવો કરવામાં આવશે. તેમજ સરકાર ખેડૂતોની વાતને નહી સાંભળે તો ખેડૂતો રસ્તા પર આવશે તેનું પરીણામ પણ સરકારને મોંઘુ પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

આ ઉપરાંત સ્થાનીક પ્રશ્નો, જેવા કે જમીન રી-સર્વેની કામગીરીમાં થયેલ ભુલોને તાત્કાલીક સુધારવી, પાણીના તળ ઉંડા હોવાથી સુજલામ સુફલામ યોજના મુળ સ્વરુપે ચાલુ રાખવી, મીટર આધારીત બોરવેલનું વીજબીલ દર બે મહિને ભરાશે તેમજ ફીકસ ચાર્જમાં રાહત આપવી, સ્વૈચ્છીક લોડ વધારવો સહિતની અન્ય માગણીઓ પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે.

(8:25 pm IST)