Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહીના પગલે સુરત અને નવસારીમાં NDRFની ટીમ તૈનાત કરાઈ

ઘોડાપૂરની સ્થિતિમાં બચાવ અને રાહતની યુદ્ધસ્તર કામગીરીને ધ્યાને રાખીને એક ટીમમાં 25 સભ્યોનો સમાવેશ કરાયો

ગાંધીનગર તા.04 : રાજયમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી  કરવામાં આવી છે. જેને પગલે સુરત અને નવસારીમાં NDRFની ટીમ ખડકી દેવામાં આવી છે. જેઓને કાંઠા વિસ્તાર અને નીચાણવાળા વિસ્તારોમાં સંભવિત પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ રહેવાના આદેશ આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

સુરત અને નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા એક પખવાડિયાથી અવિરત મેઘમહેર જોવા મળી રહી છે અને આ સ્થિતિ વચ્ચે આગામી પાંચ દિવસ સુધી સાયક્લોનિક સર્ક્યુલેશનના પ્રભાવને પગલે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આશંકા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

આ સ્થિતિમાં વહીવટી તંત્ર દ્વારા સંભવિત પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે અને તેના ભાગરૂપે આજે સવારે સુરત અને નવસારી જિલ્લામાં NDRFની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. આ બન્ને ટીમોમાં હાલ પ્રથમ તબક્કે 25 જવાનોને સામેલ કરવામાં આવ્યા છે.

જો કે, હજી સુધી સુરત અને નવસારીમાં નદીઓના જળસ્તર ભયજનક સપાટીથી ખુબ જ નીચે હોવાને કારણે હાલના તબક્કે ઘોડાપુર કે સ્થળાંતરની સ્થિતિ ઉભી થાય તેવી શક્યતાઓ ખુબ જ ઓછી જોવા મળી રહી છે. હાલ શહેર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે આજે શહેર જિલ્લામાં હળવો થી સામાન્ય વરસાદ વરસ્યો છે. છતાં તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખીને મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.

(8:32 pm IST)