Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

સુરતમાં શ્વનાનો આતંક : 7 બાળકો સહિત 12 લોકોને શ્વાને બટકા ભરતા રહીશોમાં ગભરાટ ફેલાઈ

શ્વાન કરડવાના એક પછી એક 12 કેસ નોંધાતા ડોકટરો પણ ચોંકી ઉઠ્યા : મનપા તાત્કાલિક કાર્યવાહી કરે તેવી લોકોની માંગ

સુરત તા.04: સુરતમાં ખુલ્લા ભટકા શ્વાનનો આતંક દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. અને સ્થાનિક લોકોને શ્વાન બાચકા ભરી લેવાના કેસોમાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. જેને લઈ મનપા તંત્ર પણ કોઈ આકરા પગલાં ના લેતું હોવાનો લોકો દ્વારા  આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે સુરતના માનદરવાજા, ખ્વાજાનગર વિસ્તારમાં એક શ્વાને 7 બાળકો સહિત 12 લોકોને બટકા ભરતા લોકોમાં ગભરાટ ફેલાઈ છે.

માનદરવાજા, ખ્વાજાનગર વિસ્તારમાં કાળા રંગના શ્વાને સોમવારે સવારે એક પછી એક 7 બાળકો, 2 મહિલા અને 3 પુરુષને બચકા ભરતા તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યારે ડોક્ટર પણ એક પછી એક 12 કેસ નોંધાતા ચોંકી ઉઠ્યા હતા. ત્યારે શ્વાનના આતંકથી બચાવવા પાલિકા દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સ્થાનિક લોકોએ કરી છે.

સોમવારે સવારે સિવિલ હોસ્પિટલના ટ્રોમાસેન્ટરમાં એક પછી એક ડોગ બાઈટના 12 જેટલા માનદરવાજા અને ખ્વાજાનગરના દર્દી આવતા તબીબો સહિતનો સ્ટાફ ચોંકી ઉઠ્યો હતો. તમામને એક કાળા રંગના શ્વાને હાથ-પગે કરડી લીધું હોવાનું પીડિતોએ કહ્યું હતું. તેમજ માનદરવાજા, ખ્વાજાનગરમાં રહેતા મંજૂરે જણાવ્યું હતું કે, સોમવારે સવારે તેમનો પુત્ર અયાન બાગબાન મદરેસાથી ઘરે આવી રહ્યો હતો. ત્યારે કાળા કલરના શ્વાને તેના ડાબા પગે બચકુ ભરી લીધું હતું. આ રીતે સ્કૂલ કે મદરેસાથી આવતા તેમજ નોકરીએથી આવતા જતા અને સ્થાનિક વિસ્તારમાં અવર-જવર કરનારા 7 બાળકો, 3 મહિલા અને 2 પુરુષને શ્વાને બચકા ભર્યા હતા. બીજા પણ લોકોને શ્વાને બચકા ભર્યા હોવાની શક્યતા છે.

(10:40 pm IST)