Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

સાસરા અને પિયર બંને પક્ષે તેમને સમાન હક મળવો જોઈએઃ સમાજમાં દિકરીઓ પર હિંસા વધી રહી છે, જે ચિંતાજનક

ગુજરાત હાઈકોર્ટે દિકરીઓની કરી ચિંતા : અત્યાચારને લઈને આપ્યું મહત્વનું નિવેદન

અમદાવાદ,તા. ૪:  ગુજરાતમાં દિકરીઓને લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચિંતા કરવામાં આવી છે. છેલ્લા દ્યણા સમયથી દિકરીઓ સાથે અત્યાચારના બનાવો વધ્યા છે. જેના કારણે હાઈકોર્ટે સામેથી કહ્યું કે સમાજમાં દિકરીઓને અનેક હિંસા વેઠવી પડી રહી છે. હાઈકોર્ટના આ નિવેદનને લઈને સૌ કોઈ તેની સાથે સહમત પણ થયા છે.

વધુમાં હાઈકોર્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું કે દીકરીઓને સાસરી અને પિયર એમ બન્ને પક્ષ તરફથી સમાન હક મળવો જોઈએ. હાઈકોર્ટના નિવેદન પાછળનું મૂળ કારણ એ છે કે સમાજમાં જે રીતે સ્ત્રીઓ પર હિંસાના બનાવો બની રહ્યા છે. તે આપણા માટે એક ચિંતાનો પ્રશ્ન બન્યો છે.

સમગ્ર મામલે જો વિગતવાર વાત કરવામાં આવે તો પ્રેમ પ્રકરણનો વિવાદ ગુજરાત હાઈકોર્ટમાં પહોચ્યો હતો. જેમા હાઈકોર્ટ દ્વારા દિકરીઓની સુરક્ષાને લઈને ચિંતા વ્યકત કરવામાં આવી છે. અમરેલી જિલ્લાની યુવતીએ તેના પરિવારની વિરુદ્ઘમાં જઈને પ્રેમ લગ્ન કર્યા હતા. જેના કારણે આ મામલો કોર્ટ સુધી પહોચ્યો હતો.

માત્ર યુવતીજ નહી પરંતુ યુવકે પણ તેના પરિવારની વિરુદ્ઘમાં જઈને લગ્ન કર્યા હતા. જેથી બંન્નેના પરિવારજનોએ યુવક યુવતીના સામે ફરિયાદ નોંધાવી હતી. જે મામલે પ્રેમી યુગલે તેમના પરિવાર સામે લડવા હાઈકોર્ટનો સહારો લીધો હતો. હાઈકોર્ટે યુવક અને યુવતીની તરફ નિર્ણય આપી બંનેના પરિવારજનોને જેલ ભેગા કરી દીધા છે.

ઉલ્લેખનીય છે કે સમાજમાં દિકરીઓ પર બની રહેલા અત્યાચારના બનાવો હવે આપણા માટે એક ચિંતાનો વિષય બન્યો છે. આ મામલે હવે તો હાઈકોર્ટ ધ્નારા પણ ચિંતા વ્યકત કરવામાં આવી છે. ત્યારે આ બનાવો કયારે અટકશે તે આપણા માટે એક ગંભીર પ્રશ્ન છે.

(3:17 pm IST)