Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

પુનર્જન્મ સંસ્થા દ્વારા વિરમગામના શાહપુર ખાતે પોષણ અભિયાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ

બહેનોનું કાઉન્સિલીંગ કરીને પોષણ યુક્ત આહારનું વિતરણ પણ કરવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :  ઓગસ્ટ માસનું પ્રથમ સપ્તાહ  વિશ્વભરમાં જયારે સ્તનપાન સપ્તાહની ઉજવણી કરી રહ્યું છે. સ્તનપાન શિશુની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે, શિશુ મૃત્યુ દર ઘટાડે છે, શ્વસન માર્ગ ચેપ, ડાયાબિટીસ, એલર્જીક બિમારીઓ અને લ્યુકેમિયા જેવા ચેપનું જોખમ ઘટાડે છે. માતાનું દૂધ બાળક માટે અત્યંત પૌષ્ટિક અને તંદુરસ્ત છે અને બાળકને તંદુરસ્ત વજન વિકસાવવામાં મદદ કરી શકે છે. આવા સમયે માતાઓને પૂરતું પોષણ મળી રહે તે અત્યંત જરૂરી છે. માતાનાં સ્વાસ્થ્ય અને બાળકની તંદુરસ્તી ને ધ્યાનમાં રાખી પુનર્જન્મ સંસ્થા દ્વારા વિરમગામ તાલુકાના છેવાડાના ગામ શાહપુરમાં પોષણ અભિયાન શરૂ કર્યું છે. શાહપુર ગામમાં આરોગ્ય કેન્દ્ર અને પુનર્જન્મ સંસ્થાના સંયુક્ત પ્રયાસથી પોષણ અભિયાન પર કેમ્પ કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં સગર્ભા બહેનો અને ધાત્રી બહેનોનું આરોગ્યની તાપસ કરવામાં આવી હતી. સગર્ભા અને ધાત્રી બહેનોને કેમ્પ દરમ્યાન સગર્ભા દરમિયાન કેવા પ્રકારની કાળજી લેવી, કેવો ખોરાક લેવો, બાળકોની સંભાળ વગેરે વિષે સમજણ આપવામાં આવી અને દરેક બહેનોને વ્યક્તિગત રીતે કાઉન્સિલીંગ કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત તેમને પોષણ યુક્ત આહારનું વિતરણ પણ કરવામાં આવ્યું હતુ.  આ કેમ્પ ડો.રાકેશ ભાવસાર - કુમારખાણ પી.એચ.સી. મેડિકલ ઓફિસર, ડૉ.સ્વિટુ પટેલ, સવિતાબેન ફિહેવ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો. કેમ્પમાં ગામની આશા બહેનો, પુનર્જન્મ સંસ્થાના ટીમના સભ્યો અલ્પાબેન, ચંદ્રિકાબેન, જલ્પા સુખાનંદી તેમજ સાથ મહિલા બચત અને ધિરાણ મંડળીના મેલાભાઇ, ઘનશ્યામ ભાઈએ કેમ્પને સફળ બનાવ્યો હતો. (તસવીર : રસીક કોળી - રૂપાવટી)

(5:47 pm IST)