Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

ભરૂચના ઝઘડિયામાંથી સૌ પ્રથમવાર લંડન ખાતે મોકલાયો કમલમ (ડ્રેગન) ફ્રૂટનો જથ્થો

એ.બી.એન.એન. ફ્રેસ એક્સપોના પેક હાઉસથી કમલમ (ડ્રેગન) ફ્રૂટનો જથ્થો લંડન ખાતે રવાના કરાયો

ભરૂચ જિલ્લાના ઝગડિયા તાલુકામાં આવેલ એ.બી.એન.એન. ફ્રેસ એક્સપોના પેક હાઉસથી કમલમ (ડ્રેગન) ફ્રૂટનો જથ્થો લંડન ખાતે રવાના કરવામાં આવ્યો હતો. જેમાં ઝગડિયાથી આ જથ્થો ટ્રક મારફતે અમદાવાદ એરપોર્ટ ખાતે મોકલાયો અને અમદાવાદથી હવાઇમાર્ગે લંડન અને બેહરીનમાં નિકાસ કરવામાં આવ્યો હતો.

ગુજરાત સરકાર દ્વારા કમલમને લઈને ઘણી યોજનાઓ આ વર્ષે જાહેર કરવામાં આવી છે. જેના લીધે ગુજરાત વિસ્તાર અને ઉત્પાદનની દ્રષ્ટિએ ભારતમાં પ્રમુખ સ્થાન ધરાવે છે. ધીરે ધીરે ગુજરાતનાં ખેડૂતો ડ્રેગન ફ્રૂટની ખેતી તરફ વધી રહ્યા છે. એ.બી.એન.એન. ફ્રેસ એક્સપો કંપની લંડન અને બીજા યુરોપીયન દેશોમાં ભારતીય શાકભાજી અને ફળોની નિકાસ કરે છે. જેમાં તેઓ ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દેશ અને દુનિયામાં ડ્રેગન ફ્રૂટના નામે પ્રચલિત ફળ જાન્યુઆરી 2021થી તેનું નામ બદલી કમલમ રાખવામા આવ્યું હતું. ગુજરાત સરકારે ફ્રુટનું નામકરણ કરતાં કહ્યું હતું કે, કોઈ ફ્રૂટમાં ડ્રેગન શબ્દનો ઉપયોગ કરવો ઠીક નથી લાગતો. તે સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે ડ્રેગન ફ્રૂટ કમળ જેવું દેખાય છે, માટે આ ફ્રૂટનું નામ સંસ્કૃત શબ્દ કમલમ પર રાખવામાં આવે.

(10:54 pm IST)