Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

કોરોનામાં હાઇફ્લો નેઝલ કેન્યુલા સિસ્ટમ અસરકારક

વેન્ટિલેટર પરના દર્દી માટે આર્શિવાદ રુપ સારવાર : આઇ.સી.યુ.માં રહેલા દર્દીઓની સમગ્ર સારવાર અને દેખરેખ એનેસ્થેસિયા વિભાગ દ્વારા કરવામાં આવે છે

અમદાવાદ,તા.૦૩ : કોરોનાના માઇલ્ડ એટલે કે સામાન્ય લક્ષણો ઘરાવતા દર્દીઓ સરળતાથી કોરોના પર વિજય હાંસલ કરીને સ્વસ્થ થાય છે. પરંતુ દર્દીમાં કોરોનાની ગંભીરતા વધતી જોવા મળે ત્યારે તેને આઇ.સી.યુ. માં દાખલ કરવામાં આવે છે. આ આઇ.સી.યુ.માં રહેલા દર્દીઓની સમગ્ર  સારવાર અને દેખરેખ એનેસ્થેસિયા વિભાગ  દ્વારા કરવામાં આવે છે. આઇ.સી.યુ. વિભાગમાં વેન્ટીલેટર પર રહેલા દર્દીઓની સેવા-શુશ્રુષા પણ આ વિભાગ દ્વારા થાય છે. વેન્ટીલેટર પર રહેલા દર્દીઓમાં ક્યારેક ગંભીરતા વધી જાય ત્યારે પોતાના જીવના જોખમે પણ પોતે સંક્રમિત થઇ એનેસ્થેસ્ટિક  તબીબો દર્દીઓની પીડા દૂર કરતા જોવા મળે છે.આવી જ વેન્ટીલેટરની સારવારમાં લેટેસ્ટ તકનીક હાઇ ફ્લો નેઝલ થેરાપી યુનિટ વિષે સોલા સિવિલના એનેસ્થેસિયા વિભાગના એસોસિએટ પ્રોફેસર ડૉ. જે.સી. મકવાણા કહે છે કે દર્દી સભાન અવસ્થામાં હોય અને તેના શરીરમાં જ્યારે ઓક્સિજનની માત્રા અથવા સંતુલન ઓછું થતંુ જણાય ત્યારે તેને આ નેઝલ થેરાપી યુનિટ પર રાખવામાં આવે છે.

          આ યુનિટમાં ૭૫ લીટર હ્યુમિડીફાઇડ ઓક્સિજન પ્રતિ મીનીટ સુધી આપી શકાય છે. જે કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે ઘણું અસરકારક છે. સામાન્ય રીતે મોઢા પર માસ્ક લગાડીને નાક વાટે ઓક્સિજન પહોંચાડવામાં આવતું હોય છે જે દર્દીને અન્ય ક્રિયાઓમાં ઘણી તકલીફ ઉભી કરતુ હોય છે , દર્દીને જમવામાં તેમજ પાણી પીવામાં પણ ઘણી તકલીફો ઉભી થતી હોય છે જ્યારે આ નેઝલ થેરાપીમાં ફક્ત પાતળી પાઇપ વાટે નાક મારફતે દર્દીના શરીરમાં ઓક્સિજન પહોંચાડવામાં આવે છે જેથી દર્દીને અન્ય ક્રિયાઓમાં કોઇપણ જાતની તકલીફ ઉભી થતી નથી.દર્દી સામાન્ય રીતે વાત ચીત કરી શકે છે. સોલા સિવિલ હોસ્પિટલમાં ૭૦ વર્ષીય અરુણભાઇ જ્યારે કોરોના સંક્રમિત થઇ સારવાર અર્થે હોસ્પિટલમાં આવ્યા ત્યારે તેમને સામાન્ય માસ્ક લગાડી ઓક્સિજન પર મુકવામાં આવ્યા હતા પરંતુ ઓક્સિજનનું સંતુલન ન જળવાતા તેમને હાઇ ફ્લો નેઝલ ઓક્સિજન યુનિટ પર મુકવામાં આવતા તેમના શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ૯૮-૯૯ ટકા સુધી જળવાઇ રહ્યુ હોવાનું સોલા સિવિલના એનેસ્થેસિયા વિભાગના ડૉ. અલકા શાહ જણાવે છે. દર્દીના શરીરમાં જ્યારે એકાએક ઓક્સજનનું પ્રમાણ ઘટવા લાગે, દર્દી સભાન અવસ્થામાં ન હોય ત્યારે દર્દીને ઇનવેઝીવ વેન્ટીલેટર પર મુકવા પડે છે અને ત્યારે પણ સ્થિતિ સામાન્ય ન જણાઇ આવે તો દર્દીને ઇનટ્યુબેટ કરવાની જરૂરિયાત ઉભી થાય છે. આ ઇન્ટુબીટ પ્રક્રિયામાં શ્વાસનળી (ટ્રેક્રિયા)ને સીધા વેન્ટીલેટર સાથે જોડવામાં આવે છે.

(9:44 pm IST)