Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

રાજયમાં કારખાના-ફેકટરી ધમધમતા થતા ઇન્ડસ્ટ્રીયલ ગેસની માગ સો ટકાએ પહોંચી

ઘર વપરાશના પીએનજીમાં સરેરાશ જળવાઇ, ઇન્ડસ્ટ્રિયલ ગેસમાં ઊજળું ચિત્રઃ બિનજરૂરી ફરવાનું ટાળવાના કારણે, સ્કૂલ-કોલેજ બંધ હોવાથી સીએનજીનો વપરાશ માંડ ૮૦ ટકા

અમદાવાદ તા. ૪ :.. રાજયમાં કોરોનાના કારણે અઢી માસ કરતા વધુ સમયના લોકડાઉનના પગલે પેટ્રલો, ડીઝલ, સીએનજી, પીએનજી, ઇન્ડસ્ટ્રીયલ ગેસની માગમાં તોતીંગ ઘટાડો થયો હતો. ર૪મી માર્ચથી લોકડાઉન આવ્યા બાદ સૌથી ખરાબ સ્થિતિ એપ્રિલ માસમાં નોંધાઇ હતી. રાજયમાં સીએનજીનું વેચાણ ૧૦ ટકાએ પહોંચી ગયું હતું. જયારે ઇન્ડસ્ટ્રીયલ ગેસનું વેચાણ કારખાના - ફેકટરી બંધ હોવાના કારણે શૂન્ય થઇ ગયું હતું. લોકો ઘરમાં જ હોવાના કારણે એકમાત્ર પીએનજીના વપરાશમાં નોંધપાત્ર ગણાવી શકાય તેટલો મોટો વધારો કે ઘટાડો થયો નહોતો. હવે પ્રથમ વખત એવું બન્યું છે કે ઇન્ડસ્ટ્રીયલ ગેસમાં કોરોના પહેલાંની સ્થિતિ આવી ગઇ હોય.ઇન્ડસ્ટ્રીયલ ગેસનું વેચાણ હાલમાં ૧૦૦ ટકાએ પહોંચી ગયું છે.

રાજયમાં ગુજરાત ગેસના સૂત્રો તરફથી મળેલા આંકડા પ્રમાણે સીએનજીમાં હજુ સુધી કોરોના પહેલાની નોર્મલ સ્થિતિ આવી નથી. રાજયમાં સીએનજીનું એક દિવસનું વેચાણ એક લાખ કિલોનું છે. મતલબ રોજ સીએનજી વાહનોમાં એક લાખ કિલો ગેસની ખપત રહે છે. પરંતુ ઓગષ્ટ પૂરો થવા છતાં સીએનજીનું વેચાણ હજુ પણ ૭પ થી ૮૦ ટકા વચ્ચે જ રહે છે. ૧૦૦ ટકા વેચાણની સ્થિતિ કયારે આવશે તે હજુ કહી શકાય તેમ નથી. લોકો કામ સિવાય બહાર જવાનંુ ટાળી રહ્યા છે. તેના કારણે ગેસનો ઉપાડ વધતો નથી. રેલ્વે ફુલફલેજડ શરૂ થઇ નથી. સ્કુલ-કોલેજો બંધ છે તેના કારણે સીએનજીનો વપરાશ સો ટકાએ પહોંચતો નથી. જયાં સુધી સ્કુલો શરૂ નહી થાય ત્યાં સુધી સીએનજીનું વેચાણ નીચું જ રહેશે.

ઇન્ડસ્ટ્રીયલ ગેસમાં પરિસ્થિતિ સીએનજીથી તદન ઉલટી એટલે કે તેજી તરફની છે. કોરોના પહેલાં ઇન્ડસ્ટ્રીયલ ગેસનું રોજનું વેચાણ ૧૭ લાખ કિલો એડમિનિસ્ટર્ડ પ્રાઇઝ મિકેનિઝમ 'એસીએમ' હતું. માર્ચમાં તો નહી પરંતુ એપ્રિલમાં સદંતર લોકડાઉનના કારણે ઇન્ડસ્ટ્રીયલ ગેસનું વેચાણ ઘટીને બિલકુલ શૂન્ય થઇ ગયું હતું. જે હવે ફરી કોરોના પહેલાંની સામાન્ય સ્થિતિ પર પહોંચી ગયું છે. ઇન્ડસ્ટ્રીયલ ગેસમાં રિકવરી થઇ ગઇ તેનો મતલબ રાજયમાં કારખાનાં - ફેકટરી સંપૂર્ણ ક્ષમતાથી ધમધમવા લાગ્યા  છે. દેશમાં અન્ય કોઇ રાજયમાં હજુ સો ટકા ની રિકવરી આવી નથી. એકમાત્ર ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીયલ ગેસમાં રિકવરી આવી છે.

રાજયમાં સીએનજી-ઇન્ડસ્ટ્રિયલ ગેસના વેચાણના આંકડા

* સીએનજી રોજનું વેચાણ ૧ લાખ કિલો

* ઇન્ડસ્ટ્રીઝયલ ગેસનું રોજનું વેચાણ ૧૭ લાખ કિલો એસીએમ 

રાજયમાં સીએનજી વેચાણના આંકડા

માસ

વેચાણ ટકામાં

એપ્રિલ

૧૦ ટકા

મે

૪૦ ટકા

જૂન

પ૦ ટકા

જૂલાઇ

૭૦ ટકા

ઓગષ્ટ

૭પ થી ૮૦ ટકા

ઇન્ડસ્ટ્રીયલ ગેસનું વેચાણ

માસ

વેચાણ ટકામાં

એપ્રિલ

૦ ટકા

મે

૪૦ ટકા

જૂન

૬૦ ટકા

જૂલાઇ-ઓગષ્ટ

૧૦૦ ટકા

(11:31 am IST)