Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

૩ લાખથી વધુ કેદીઓને વિશેષ ટેલીફોન બુથથી પરિવાર સાથે વાતચીત કરાવેલઃ ડો.કે.એલ.એન. રાવ

કોરોના કાળમાં કેદીઓને વ્હાલસોયાઓની ચિંતા ન રહે તે માટે અદભૂત પ્રયોગ સફળ રહયો : ૧૬,૪૧૧ કેદીઓને ઇ-મુલાકાત કરાવીઃ આર્થિક મંદીના દોરમાં ૪ માસમાં જ ર લાખ જેટલા માસ્કનું ઉત્પાદન કેદીઓએ કરી કાળાબજારીયાઓથી લોકોને ઉગાર્યા

પ૦-પ૦ વખત વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા ગુજરાતના જેલ સુપ્રી.ઓ સાથે જેલ વડા ડો.કે.એલ.એન. રાવે બેેઠકો યોજવા સાથે અનોખો રેકોર્ડ સ્થાપવા સાથે મંદીના આ દોરમાં પેટ્રોલનો મસમોટો ખર્ચ અને ટીએડીએ વિગેરેની મોટી બચત કરેલી.

રાજકોટ, તા., ૪: કોવીડ-૧૯ની વૈશ્વિક મહામારી સંદર્ભે ગુજરાતની વિવિધ જેલોમાં મહારાષ્ટ્ર-દેશના અન્ય રાજયો માફક સંક્રમણ ન ફેલાય તે માટે ૫૦ જેટલી રેકોર્ડ બ્રેક ઓનલાઇન બેઠકો યોજનાર રાજયના જેલ વડા ડો. કે.એલ.એન.રાવે અકિલા સાથેની  વાતચીતમાં જણાવેલ કે જયારે વિશ્વ આર્થીક નુકશાનીમાંથી પસાર થઇ રહયું છે ત્યારે ગુજરાતની વિવિધ જેલો દ્વારા આ મહામારીમાં લોકોને કોરોનાની સાથોસાથ  કાળાબજારીયાઓથી બચાવવા માટે ફકત ૪ માસમાં જ એક લાખ બાણુ હજાર બસ્સો છોતેર ફેસ માસ્કનું ઉત્પાદન કરી લોકહિતનું કામ કરવા સાથે જેલ કેદીઓની રોજગારીમાં પણ આર્થીક ફાયદો થયો છે.

જેલ વડા ડો.કે.એલ.એન.રાવે અકિલા સાથેની વાતચીતમાં વિશેષમાં જણાવેલ કે અમદાવાદ ખાતે જેલ ભવનમાં મીટીંગ યોજી રાજયભરની જેલોના સુપ્રિ.ઓને રૂબરૂ બોલાવવાના બદલે પ૦ થી વધુ બેઠક વિડીયો કોન્ફરન્સ મારફત કરી આર્થીક મંદીના આ દોરમાં અધિકારીઓ તથા સ્ટાફના ટીએડીએ   અને ખાસ કરીને મસમોટો પેટ્રોલનો ખર્ચ (ટ્રાન્સપોટેશન ખર્ચ)ની બચત કરી રાજય સરકારના બીનજરૂરી ખર્ચ ઘટાડવાના આદેશોનું ચુસ્તપણે પાલન કરવામાં આવેલ.

જેલમાં રહેલા કેદીઓ કોરોનાની આ મહામારી દરમિયાન તેમના પરીવારજનો સાથે સંપર્કમાં રહી શકે તે માટે ઇ-મુલાકાત  અને ટેલીફોન બુથની વિશેષ સુવિધાઓ પણ પુરી પાડવામાં આવી હતી. કુલ ૧૬,૪૧૧ કેદીઓને ઇ-મુલાકાતથી વાતચીત અને ૩,૦૫,૦૫૨ કેદીઓને ટેલીફોન બુથથી પરીવાર સાથે વાતચીત કરાવી આપવામાં આવી હતી. ૯૧૯ વખત મેડીકલ સ્ક્રીનીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૧,૧૬,પ૮ર કેદીઓની મેડીકલ સ્ક્રીનીંગ કરવામાં આવેલ.

(12:57 pm IST)