Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

કોરોનાના કહેર વચ્ચે પ્લેસમેન્ટમાં IIMના ૧૨૦ છાત્રોએ મેદાન માર્યુ : માતબર રકમના વાર્ષિક પેકેજ સાથે જોબ મળી

૧૩૦ કંપનીઓએ પ્લેસમેન્ટમાં ભાગ લીધો : ૪૨ છાત્રોએ ઈન્જેકશન ટેકનોલોજીના ક્ષેત્રમાં નોકરી મેળવી

રાજકોટ, તા. ૪ : કોરોનાના સંક્રમણ અને કહેર વચ્ચે દેશભરમાં આર્થિક વ્યવસ્થા ઉપર ગંભીર અસર પડી છે. જીડીપીમાં રેકોર્ડ બ્રેક નીચે આવ્યો છે. જીએસટીનું કલેકશન પણ ઓછુ તેમજ અનેક ક્ષેત્રોમા નોકરીઓ પણ છૂટી રહી છે. આ સંજોગોમાં ભારતીય પ્રબંધ સંસ્થાન અમદાવાદ (આઈઆઈએમ-એ)એ એક વર્ષીય પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ ઈન મેનેજમેન્ટ ફોર એકઝીકયુટીવ કોર્ષમાં વિદ્યાર્થીઓના વાર્ષિક વેતન ગત વર્ષની સરખામણી રૂા.૨૧ લાખ વધ્યુ છે.

ઉપરાંત પ્લેસમેન્ટમાં કંપનીઓની ભાગીદારીની સંખ્યા પણ વધી છે. નોકરી મેળવવાની વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. આ વર્ષ કંપનીઓ દ્વારા કો.સીઈઓ, ચીફ પ્રોડકટ ઓફીસર, વાઈસ પ્રેસીડેન્ટ, ડાયરેકટ એસોસીએટ વાઈસ પ્રેસીડેન્ટ, જનરલ મેનેજર સહિતના પદ પર નોકરીઓ મળી રહી છે.

આઈઆઈએમએ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ ઈન મેનેજમેન્ટ ઈન એકઝીકયુટીવ વર્ષ ૨૦૨૦ની કેમ્પસ પ્લેસમેન્ટની અંતિમ રીપોર્ટમાં આવુ જાણવા મળ્યુ છે. ૨૦૨૦ના ૧૪૦ વિદ્યાર્થીઓમાંથી ૧૨૫ વિદ્યાર્થીઓએ પ્લેસમેન્ટમાં ભાગ લીધો હતો. જેમાં ૧૨૦ છાત્રોને નોકરી મળી છે.

૧૩૦ કંપનીઓએ ૩૦૦ જેટલી નોકરીઓની ઓફર કરી હતી. આ વર્ષ ૨૦ નવી કંપનીઓ પ્લેસમેન્ટમાં જોડાઈ હતી. વર્ષ ૨૦૧૯માં ૭૫ કંપનીઓએ પ્લેસમેન્ટમાં ઓફર કરી હતી.

કોરોનાના સમયમાં વધુ નોકરીઓની ઈન્ફોર્મેશન ટેકનોલોજી (આઈટી) સેકટરની કંપનીઓએ આપી છે. ૪૨ વિદ્યાર્થીઓએ આઈટી સેકટરની નોકરી સ્વીકારી.

જાણવા મળતી વિગતો મુજબ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ ઈન મેનેજમેન્ટ ફોર એકઝીકયુટીવ વિદ્યાર્થીઓનું વેતન ૨૦૧૮માં વધુમાં વધુ ૫૪.૬૦ લાખ, ૨૦૧૯માં વધુમાં વધુ ૬૦ લાખ, ૨૦૨૦માં સૌથી વધુ ૮૧ લાખ છે. જયારે ઓછામાં ઓછુ વેતન પણ આ વર્ષે ગત વર્ષની સરખામણીએ દોઢ લાખ વધ્યુ છે.

(2:58 pm IST)