Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

અરવલ્લીના શામળાજી નજીકના મેશ્વો જુથ પાણી પુરવઠા યોજનાના શુદ્ધિકરણ પ્‍લાન્‍ટમાં ક્‍લોરીન લીકેજઃ 2 ગામના લોકોને શ્વાસ લેવામાં તકલીફ

અરવલ્લી: અરવલ્લીના શામળાજી નજીક આવેલા દેવનીમોરી ખાતેની મેશ્વો જૂથ પાણી પુરવઠા યોજનાના શુદ્ધીકરણ પ્લાન્ટમાં ક્લોરીન ગેસનો બોટલ લીકેજ થવાની ઘટના બની હતી. જેમાં આસપાસના બે ગામોના લોકોને શ્વાસ રુંધાવાની, ખાંસી તેમજ ગુંગળામણ થઈ હતી. જેને કારણે લોકો ઘરોમાં પૂરાઈ રહેવા મજબૂર બન્યા હતા. ગેસ લીકેજ થતા ફાયર ફાઈટરને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઈટરના ડ્રાઈવરને પણ ગુંગળમણ થતા તે બેભાન થઈ ગયો હતો. તો અન્ય અસરગ્રસ્તોને શામળાજીની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઘટનાને પગલે મામલતદાર તેમજ પાણી પુરવઠાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ક્લોરીન ગેસની 900 કિલોની બોટલમાંથી 100 કિલો જેટલો ગેસ બચ્યો હતો. એટલે કે 800 કિલો ગેસ લીકેજ થયો હતો.

શામળાજી નજીક આવેલા દેવનીમોરી ખાતે મેશ્વો જૂથ પાણી પુરવઠા દ્વારા આસપાસના 146 ગામોને પાણી પહોંચાડવા માટે પાણી પુરવઠા યોજના બનાવી છે. જેમાં પાણીને ક્લોરીનેશન કરી ગામડાઓમાં પહોંચાડાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારે આ પ્લાન્ટ ઉપર ગત રાત્રિ દરમિયાન ક્લોરીન ગેસના 900 કિલોની બોટલમાં 100 કિલો જેટલો ગેસ બચ્યો હતો, અને બાકીનો 800 કિલોનો ગેસ લીકેજ થયો હતો. જેના પગલે પ્લાન્ટ ઉપર કામ કરતા કર્મચારીઓ સલામતીના ભાગરૂપે પ્લાન્ટથી દૂર ખસી ગયા હતા. જ્યારે કે, ગેસના પગલે આસપાસમાં આવેલા દેવનીમોરી તેમજ હિંમતપુર ગામના લોકોને ખાંસી તેમજ શ્વાસ રુંધાવાની સમસ્યા સર્જાઈ હતી.

સમગ્ર મામલાની જાણ પાણી પુરવઠા વિભાગને થતા મોડાસા નગરપાલિકાનું ફાયર ફાઈટર બોલાવાયું હતું, ત્યારે ફાયર ફાઈટર દેવનીમોરી ખાતે પહોંચ્યું હતું. પરંતુ ફાયર ફાઈટરના ચાલક આસીફ સુથારને ગેસ ગળતરની અસર થતા બેભાન થઇ ગયો હતો. જેને 108 મારફતે શામળાજી રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવ્યો હતો અને ઓક્સિજન આપવાની જરૂર પડી હતી. સારવાર બાદ તેની સ્થિતિ સુધરી હતી. ત્યારે સમગ્ર મામલે તાલુકા મામલતદાર તેમજ પાણી પુરવઠાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ગેસ લીકેજને રીપેર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે વહેલી સવાર સુધી ગેસ ગળતરની તીવ્રતા ઘટતા વિભાગ દ્વારા લીકેજને રીપેર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે વહેલી સવાર સુધી ગેસ ગળતરની તીવ્રતા ઘટતા વિભાગ દ્વારા લીકેજ બોટલ ઉઠાવી પાણીમાં નાખવા માટે મશીન બોલાવવામાં આવ્યું હતું.

પાણી પુરવઠા યોજના દ્વારા આટલી મોટી યોજના માટે મોટી સંખ્યામાં આ પ્રકારના ગેસના બોટલો રાખવામાં આવી રહ્યા છે ત્યારે આવા જુના બોટલ તેમજ કાટ આવી ગયેલા બોટલો માટે તકેદારી રખાય તે જરૂરી છે. નહિ તો ભવિષ્યમાં આ ઘટના જેવી મોટી ઘટના બને તો નવાઈ નહિ. 

(4:41 pm IST)