Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

સુરત કોર્પોરેશન ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનમાં આવતા કચરાને ઓટોમેટીક છૂટો પાડીને સીધુ વેંચાણ કરીને કરોડો રૂપિયાની કમાણી કરશે

સુરત: સ્વચ્છતા સર્વેક્ષણમા સુરતનો દેશમા બીજો ક્રમ આવ્યા બાદ હવે સુરત મનપા દ્વારા અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. જેના થકી કરોડો રૂપિયાની કમાણી કરાશે. સમગ્ર સુરત શહેરમાંથી ઉઘરાવેલા કચરામાંથી ડ્રાય વેસ્ટ અલગ કરીને તેને એકત્ર કરી તેનું વેચાણ કરવામા આવશે. મનપાના ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનમાં આવતા કચરાને ઓટોમેટિક રીતે છૂટો પાડીને તેને ટ્રાન્સફર સ્ટેશન પર લઇ જવાના બદલે સીધું વેચાણ કરીને કરોડો રૂપિયાની કમાણી કરાશે. જેનાથી કચરો લાવવા-લઇ જવાના ખર્ચમા પણ બચત કરી શકાશે.

સુરત મહાનગરપાલિકા ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન કરીને શહેરના જુદા જુદા ટ્રાન્સફર સાઇટ પર કચરાને એકત્રિત કરી ડિસ્પોઝલ સાઇટ પર બાદમાં લઇ જવામાં આવે છે. રસ્તા પરથી ઉઠાવાતા દરેક કચરાનો આ રીતે જ નિકાલ કરવામાં આવે છે. ત્યારે સુરતમાં રોજેરોજ 800 મેટ્રિક ટન કચરો એકઠો કરવામા આવે છે. જેમા 60 ટકા વેસ્ટ અને 40 થી 45 ટકા ડ્રાય વેસ્ટ હોય છે. મનપાના સૌથી વધુ કચરાનુ ભારણ હોય તેવા કતારગામ, આંજણા અને ભટાર ડિસ્પોઝલ સાઇટ પર મનપા તંત્ર દ્વારા ગુજરાતમા પહેલી વાર મિકેનાઇઝ મટિરીયલ્સ રિકવરી ફેસિલિટી શરૂ કરવામાં આવનાર છે. મિકેનાઇઝ મટીરિયલ્સ રિકવરી ફેસિલીટી એટલે મ્યુનિસિપાલિટી જે કચરો આવી રહ્યો છે, તેમાં ડ્રાય વેસ્ટને અલગ કરી દેવામા આવશે.

આ વિશે સુરતના મ્યુનિસિપલ કમશિનર બંછાનિધિ પાનીનું કહેવું છે કે, ડ્રાય વેસ્ટને જુદી જુદી 23 કેટેગરીમાં રાખવામાં આવશે. જુદા જુદા ડ્રાય વેસ્ટને મિકેનાઇઝ રીતે અલગ કરી દેવામા આવશે, તે વેસ્ટને અલગ તારવીને કોઇ એજન્સીને વેચીને તેમાંથી આવક ઉભી કરવામા આવશે. હાલમાં આવી મિકેનાઇઝ મટીરીયલ્સ રિકવરી ફેસિલિટી માત્ર ઇન્દોર શહેરમાં વિકસાવાયેલી છે. જ્યારે ગુજરાતમા આ સુવિધા ઉભી કરનાર સુરત પહેલું શહેર બનશે. મિકેનાઇઝ મટીરિયલ્સ રિકવરી ફેસિલીટીની પધ્ધતિથી કામગીરી માટે મનપા તંત્રને લાંબા ગાળાનો ફાયદો છે. તંત્રને આ કામગીરીથી એક કરતા વધુ ફાયદા થશે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ડ્રાય વેસ્ટને અલગ કરવાથી એટલો ઓછો કચરો ટ્રાન્સફર સ્ટેશન સુધી જશે અને તેનો ટ્રાન્સફર ખર્ચ પણ ઓછો થશે. જ્યારે જે ડ્રાય વેસ્ટ તંત્રએ ભેગો કર્યો છે તે વેસ્ટને કોઇ એજન્સીને વેચીને તેમાથી કરોડો રૂપિયાની આવક ઉભી કરવામા આવશે, ટ્રાન્સફર સ્ટેશન પર કચરો ઓછો જશે તેના કારણે ડિસ્પોઝલની જગ્યા ઓછી ઉપયોગ થશે અને પર્યાવરણમા પણ ફાયદો થશે.

(4:43 pm IST)