Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નવીન કોન્ફરન્સ હોલનું લોકાર્પણ કરતા પ્રદેશ અધ્યક્ષ સી,આર,પાટીલ

સીઆર પાટીલે “રાણીની વાવ”ની મુલાકાત લીધી: વીર માયાની ટેકરી અને નગરદેવી કાલિકા માતાના કર્યા દર્શન

અમદાવાદ:ઉત્તર ગુજરાતના ત્રિદિવસીય સંગઠનાત્મક પ્રવાસના બીજા દિવસે ભાજપા પ્રદેશ અધ્યક્ષ  સી.આર.પાટીલના  હસ્તે અને પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયાની ઉપસ્થિતિમાં પાટણ જિલ્લા ભાજપા કાર્યાલય ખાતે નવીન કોન્ફરન્સ હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

  આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઇ ઝડફિયા, કેબિનેટ મંત્રી દિલીપસિંહ ઠાકોર, મંત્રી વાસણભાઇ આહિર, સાંસદ ભરતસિંહ ડાભી, પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા, પ્રદેશ મંત્રી પ્રદીપસિંહ વાઘેલા, પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, સહિતના હોદ્દેદારો પાટણ જિલ્લા ભાજપાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પાટણ ખાતે ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાની ઝાંખી કરાવતી વર્લ્ડ હેરિટેજ સાઈટ ‘રાણી ની વાવ’ની મુલાકાત કરી હતી. તેમજ પાટણ ખાતે વીર માયાની ટેકરી અને નગરદેવી કાલિકા માતાના દર્શન કર્યા હતા. આ ઉપરાંત પાટણ જિલ્લાના બાલીસણા ખાતે અને મહેસાણા જિલ્લાના સિંહી ખાતે તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

 અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે જગતજનની ‘માઁ અંબા’ના દર્શન કરી ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પોતાના ઉત્તર ગુજરાતના સંગઠનાત્મક પ્રવાસનો પ્રારંભ કર્યો હતો.જ્યાં તેમનું બનાસકાંઠા જિલ્લા ભાજપ સંગઠનના કાર્યકરો દ્વારા ઢોલ નગારા વગાડી, ફટાકડા ફોડી, પરંપરાગત વેશભૂષામાં નૃત્ય સાથે હર્ષોલ્લાસ સાથે ઉમળકાભેર સ્વાગત કરાયું હતું.

(6:24 pm IST)