Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની બે મંદિરે 202 કિલો ચાંદીથી કરાઈ રજતતુલા:પાટીલે મંદિરમાં દાન કર્યું

ઊંઝામાં ઊમિયા માતાજી મંદિરે અને વિસનગરમાં વાળીનાથ મહાદેવ મંદિરે 101-101 કિલો ચાંદીથી રજતતુલા : સમસ્ત ગુજરાત રાજ્ય માલધારી સમાજ દ્વારા કરાઈ રજતતુલા

અમદાવાદઃ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની  ઊંઝામાં ઊમિયા માતાજી મંદિરે અને વિસનગરમાં વાળીનાથ મહાદેવ મંદિરે 101-101 કિલો ચાંદીથઈ રજત તુલા કરાઇ હતી. સીઆર પાટીલે પહેલાં  ઊમિયા માતાજીના મંદિરે દર્શન કર્યા હતા. બાદમાં તેમની 101 કિલો ચાંદીથી રજતતુલા કરવામાં આવી હતી. આ 202 કિલો ચાંદી સીઆર પાટીલે બંને મંદિરે દાન કરી દીધી હતી.તે પછી મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરભ ખાતે વાળીનાથ મહાદેવ મંદિરે દર્શન કર્યા હતા જ્યાં ગુજરાત રાજ્યના સમસ્ત માલધારી સમાજ દ્વારા તેમની 101 કિલો રજતથી રજતતુલા કરવામાં આવી હતી.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના ત્રણ દિવસીય ઉત્તર ગુજરાતના પ્રવાસના આજે બીજા દિવસે ઊંઝા તથા વિસનગરના વાળીનાથ મહાદેવ મંદિર ખાતે રજતથી રજતતુલા કરવામાં આવી હતી. આજે દિવસ દરમિયાન ઊંઝા, વિસનગર બાદ મહેસાણાની મુલાકાત લીધી હતી. જયાં ઠેર ઠેર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે ભાજપના આગેવાનો, કાર્યકરોથી માંડીને શ્રેષ્ઠીઓ સાથે બેઠક પણ યોજી હતી.

 

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનું ઉંઝા અને મહેસાણા ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણિયાની ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત-અભિવાદન કાર્યક્રમ યોજાયો.

આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી કેસી પટેલ, કેબિનેટ મંત્રી સૌરભભાઈ પટેલ, મંત્રી વાસણભાઇ આહિર, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઇ ઝડફિયા, સાંસદો જુગલજી ઠાકોર, શ્રીમતી શારદાબેન પટેલ, પૂર્વ મંત્રી રજનીભાઇ પટેલ, ધારાસભ્યો, પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ડો.ઋત્વિજભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્યો સહિત વિવિધ સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા

ઊંઝા ખાતે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત-અભિવાદન કાર્યક્રમમાં પુષ્પગુચ્છ આપી, શાલ ઓઢાડી, મોમેન્ટો આપી તેમનું ઉમળકાભેર ભવ્ય સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે વાળીનાથ મંદિરના પ.પૂ.ધ.ધુ. બળદેવગીરી બાપુના આશીર્વાદ મેળવ્યા હતા. માલધારી સમાજના વિવિધ આગેવાનો દ્વારા તેમનું સ્વાગત-અભિવાદન કરવામાં આવ્યું હતુ. તે બદલ સીઆર પાટીલે સમસ્ત માલધારી સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો

ત્યાંથી મહેસાણા પહોંચતા પૂર્વે ભાંડુ ખાતે સીઆર પાટીલનું મહેસાણા જિલ્લાના ભાજપ કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાંથી તેઓ ભાજપ કાર્યકર્તાઓ, શુભેચ્છકો, સમર્થકો સાથે મહેસાણા પહોંચ્યા હતા જ્યાં ઠેર ઠેર તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

(9:58 pm IST)