Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

ખેડા જિલ્લાના ઉંઢેરા ગામમાં નવરાત્રીના રંગમાં અસામાજીક તત્‍વોનો ભંગઃ ગરબામાં ઘુસીને પથ્‍થરમારો કરતા 2 પોલીસમેન સહિત 8ને ઇજા

2 યુવકોની આગેવાનીમાં એક જુથે હોબાળો મચાવતા દોડધામ

ખેડાઃ ગુજરાતમાં કોરોનાકાળના 2 વર્ષ બાદ નવરાત્રી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રહી છે. ખેલૈયાઓમાં પણ ગરબે ઘુમવા માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એવામાં અસામાજિક તત્ત્વોએ ખેડામાં ખેલૈયાઓના ખેલમાં ખલેલ ઉભી કરી. અસામાજિક તત્ત્વો દ્રારા રંગમાં ભંગ પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ગરબાની રમઝટ બરાબર જામી હતી એવા સમયે જ અચાનક ત્યાં અસામાજિક તત્ત્વોનું ટોળું બદઈરાદા સાથે ત્યાં ધસી આવ્યું અને કોઈ કંઈ સમજે એ પહેલાં જ ગરબે ઘૂમી રહેલાં લોકો પર પથ્થરમારો કરવા લાગ્યું. આ ઘટનાને પગલે ત્યાં દોડધામ મચી ગઈ.

ખેડાના ઉંઢેરા ગામમાં ગત મોડીરાતે ગરબા સમયે પથ્થરમારાની ઘટના સામે આવતા પોલીસતંત્ર દોડતું થઈ ગયું છે. આ અંગે વિગતો આપતા ખેડા DSP રાજેશ ગઢીયાએ જણાવ્યું કે, માતર તાલુકાના ઉંઢેરા ગામમાં ગઈકાલે રાતે નવરાત્રીની આઠમ નિમિત્તે ગરબાનો કાર્યક્રમ હતો. આ દરમિયાન આરિફ અને ઝહીર નામના બે યુવકોની આગેવાનીમાં એક જૂથે હોબાળો મચાવ્યો હતો. જે બાદ આ ટોળા દ્વારા ગરબા ગાતા લોકો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

વધુમાં DSPએ જણાવ્યું કે, તમામ આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે. આરોપી પર સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. હાલ તો પોલીસે તકેદારીના ભાગરૂપે ઉંઢેરા ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. ગામમાં આવતા-જતાં તમામ લોકોની તલાશી લેવામાં આવી રહી છે. આ પથ્થરમારાની ઘટનામાં એક ગાડીના કાચ પણ તૂટી ગયા હતા. આ ઘટનાના પગલે સમગ્ર ગામમાં તણાવનો માહોલ છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ વડોદરાના સવાલીમાં પણ નવરાત્રીના તહેવાર સમયે જ વીજ થાંભલા પર ધાર્મિક ઝંડો લગાવવા બાબતે બે જૂથો સામ-સામે આવી ગયા હતા અને પથ્થરમારો કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને 40 લોકોની અટકાયત પણ કરી હતી.

(5:35 pm IST)