Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

ગુજરાત દિપોત્સવી અંક વિક્રમ સંવત ૨૦૭૮નું વિમોચન કરતા મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગુજરાત દિપોત્સવી અંક વિક્રમ સંવત ૨૦૭૮નું વિમોચન કરતાં જણાવ્યું હતું કે, દીપાવલી એ પ્રકાશનું પર્વ છે, હજારો લાખો દીપકની પ્રકાશજ્યોતનું સોનેરી અજવાળું ચોતરફ ફેલાયેલું છે. પ્રકાશ પર્વ દીપોત્સવ સૌને નવા શુભ સંકલ્પો સાથે આગળ વધવાની પ્રેરણા આપે છે. આપણે સૌ ગુજરાતી બાંધવો સ્વયં સત્યનિષ્ઠાની જ્યોત પ્રગટાવી સદવિચારોના પ્રકાશ પાથરવાનો સાચા હૃદયથી પ્રયત્ન કરીએ એમ તેમણે ઉમેર્યું હતું.

 તેમણે કહ્યું કે, સૌ ગુજરાતીઓના પ્રેમ અને આશિર્વાદથી વિકાસની નવી પરિભાષા ગુજરાતે અંકિત કરી છે. ગુજરાતની પ્રગતિનું ચાલક બળ એની સાડા છ કરોડ ઉપરાંતની જનશક્તિનો જનહિતલક્ષી કાર્યોમાં વિશ્વાસ છે. તેમણે દિવાળીના પાવન પર્વે દ્વેશ, વેરભાવ, કુવિચારોના અસુરને દુર કરીને સૌના હદયમાં સદવિચારો અને રોમેરોમ સત્યનિષ્ઠાના દિવડા પ્રગટાવવાનો ગુજરાતી બાંધવોને અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કોરોના મહામારી અને અતિવૃષ્ટીની પ્રતિકૂળતાના વિપરિત સંજોગોમાં પણ ગુજરાતે એની પ્રગતિની દોડને લેશ માત્ર ઢીલી થવા દીધી નથી,ભૂપેન્દ્રભાઇ પટેલે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કંડારેલા ગુજરાતના વિકાસ મોડલના પથ ઉપર તેજ રફતારથી ગુજરાતના ખૂણેખૂણાના વિકાસ માટે નિષ્ઠાપૂર્વક આપણે સૌ પરિશ્રમ કરી રહ્યા છીએ. કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદી અને અહીં આપણે સાથે મળીને ડબલ એન્જિનવાળી સરકાર દ્વારા થઇ રહેલા જનજનના કલ્યાણકારી કાર્યોની સૌ કોઇને પ્રતીતિ થઈ રહી છે.

દીપોત્સવી પર્વ અને વિક્રમ સંવત ૨૦૭૯ના નૂતન વર્ષ નિમિત્તે સૌ ગુજરાતી બાંધવોને દીપાવલીની મંગળ કામના સાથે નવા વર્ષની ઊન્નતિ માટે શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રીશ્રીએ આ નવા વર્ષના આરંભે સહુ સાથે મળી દિવ્ય અને ભવ્‍ય ગુજરાતના નિર્માણ માટે તથા ગુજરાતની વિકાસયાત્રામાં સક્રિય ભાગીદાર બનવા આહવાન કર્યું હતું.

માહિતી અને પ્રસારણ વિભાગના સચિવ અવંતિકા સિંઘે જણાવ્યું હતું કે, તહેવારો અને લોકોત્સવમાં આપણી સાંસ્કૃતિક ધરોહરની સુવાસ પ્રસરે છે. એકધારા જીવનમાં તહેવારો તાજગી લાવે છે. હિન્દુસ્તાનની સાંસ્કૃતિક વિરાસતમાં દીપોત્સવના પ્રકાશપર્વનું અદકેરું સ્થાન છે. આવનારા વર્ષમાં આપણે સહુ આપણી અંદર રહેલી રચનાત્મક શક્તિઓને ખીલવીને વિકાસના નવા પ્રકાશપુંજનું આહવાન કરી ગુજરાતના વિકાસના નવતર સીમાચિહ્નો પ્રસ્થાપિત કરીએ.
માહિતી નિયામક આર. કે. મહેતાએ ગુજરાત દીપોત્સવી અંક વિષે વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્યના માહિતી ખાતા દ્વારા પ્રતિ દીપોત્સવ પર્વ નિમિત્તે જીવન ઉચ્ચ વિચારોથી દીપી ઉઠે એવું સંસ્કારસભર વાંચન પીરસવાની પ્રતિવર્ષની આગવી પરંપરા અનુસાર ગુજરાતના સાહિત્ય અને કલાની સાંસ્કૃતિક વિરાસરના સંસ્કાર વારસાને ગુજરાત દીપોત્સવી અંકના માધ્યમથી પ્રસ્તુત કરવામાં આવે છે.
 ગુજરાતના મુ્ર્ધન્ય સાહિત્યકારોની સર્જનશીલ કલમે રજૂ થયેલા સાહિત્યની સૌરભથી વાચક મિત્રોનું મન પ્રફુલ્લિત બને તેવા ચિંતનાત્મક વિચારો, કાવ્યો, નવલિકાઓ, વિનોદિકાઓ, નાટિકાઓ સાથેનો ગુજરાત દીપોત્સવી ૨૦૭૮ સ્વરૂપે સાહિત્ય રસથાળ રજુ કરવામાં આવ્યો છે. ગુણવંતભાઈ શાહ, વિષ્ણુભાઈ પંડ્યા, જોરાવરસિંહ જાદવ, મહંમદ માંકડ, રતિલાલ બોરીસાગર, રઘુવીરભાઈ ચૌધરી, માધવ રામાનુજ, ચન્દ્રકાંત મહેતા, ડૉ. કુમારપાળભાઇ દેસાઇ, જય વસાવડા, કૃષ્ણકાંતભાઇ ઉનડકટ જેવા લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકારોની સર્જનશીલ કલમે લખાયેલી રસપ્રદ સાહિત્યકૃતિઓથી ગુજરાત દીપોત્સવી અંક ૨૦૭૮ વાચકો માટે આવનારા વર્ષમાં અલભ્ય વાંચન સંભારણુ બની રહેશે.
આ દીપોત્સવી ૨૦૭૮ના દળદાર વિશેષાંકમાં ૨૯ અભ્યાસ લેખો, ૩૩ નવલિકાઓ, ૧૯ વિનોદિકાઓ, ૭ નાટિકા અને ૯૮ જેટલી કાવ્ય રચનાઓ સાથે નયનરમ્ય ૬૪ જેટલી વિવિધ રંગીન તસવીરો સમાવિષ્ટ કરવામાં આવી છે.
 આ પ્રસંગે મંત્રીમંડળના સભ્યઓ સર્વ રાજેન્દ્રભાઇ ત્રિવેદી, જીતુભાઇ વાઘાણી, ઋષિકેશભાઇ પટેલ, કિરીટસિંહ રાણા, જગદીશભાઇ વિશ્વકર્મા, જીતુભાઇ ચૌધરી, મુકેશભાઇ પટેલ,  મુખ્ય સચિવ પંકજકુમાર, અધિક મુખ્ય સચિવશ્રી ગૃહ રાજકુમાર, માહિતી સચિવ શ્રીમતી અવંતિકાસિંહ ઔલખ, માહિતી નિયામક આર. કે. મહેતા વરિષ્ઠ માહિતી અધિકારીઓ સર્વશ્રી અરવિંદભાઇ પટેલ, પુલકભાઇ ત્રિવેદી, જગદીશભાઇ આચાર્ય વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

 

(7:51 pm IST)