Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રવેશ ફી -પાર્કિંગ ચાર્જના કરોડોની ઉચાપાત મામલે બે આરોપીની ધરપકડ

કેવડિયા DYSP વાણી દુધાતે કોઈ પણ આરોપીઓની ધરપકડ કરાઈ હોવાનું નકાર્યું

રાજપીપળા: વિશ્વની સોથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રવેશ ફી તથા પાર્કિંગ ચાર્જના કરોડોની ઉચાપાત મામલે બે આરોપીની ધરપકડ કરાઈ હોવાનું જાણવા મળે છે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું વડોદરાની HDFC બેંકમાં એકાઉન્ટ છે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની રોજની પ્રવેશ ફી અને પાર્કિંગ ચાર્જ સહિતની રકમ ઉઘરાવી SOUના ખાતામાં જમા કરાવવા HDFC બેંકે વડોદરાની રાઈટર્સ બિઝનેસ પ્રાઈવેટ લિમિટેડ નામની ખાનગી એજન્સીને સોંપ્યું હતું.

હવે રાઈટર્સ બિઝનેસ પ્રાઈવેટ લિમિટેડે 5 કરોડ રૂપિયા જેટલી રકમ SOUના બેંક એકાઉન્ટમાં જમા ન કરાવતા આ મોટું ભોપાળુ બહાર આવ્યું હતું. HDFC બેંકે રાઈટર્સ બિઝનેસ પ્રાઈવેટ લિમિટેડે વિરુદ્ધ કેવડિયા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી 5.24 કરોડ રૂપિયા SOUના ખાતામાં તાબડતોડ જમા કરાવ્યા હતા.

તો બીજી બાજુ આ ઉચાપાત મામલે નર્મદા પોલીસે તપાસનો દોર આરંભ્યો હતો, મળતી માહિતી મુજબ નર્મદા LCB પોલીસની ટીમે રાઈટર્સ બિઝનેસ પ્રાઈવેટ લિમિટેડના શંકાસ્પદ જવાબદાર કર્મીઓને ત્યાં વિવિધ ઠેકાણે દરોડા પાડ્યા હતા. નર્મદા LCB અને કેવડીયા પોલીસે 2જી ડિસેમ્બરે રાત્રે વડોદરાના સુભાનપુરા, કોયલી વિસ્તારમાં તેમના નિવાસસ્થાને દરોડા પાડયા હતા પરંતુ આરોપીઓ ભૂગર્ભમાં ચાલ્યા ગયા હતા.

દરમિયાનમાં નર્મદા LCB પોલીસ ટીમને મળેલી બાતમીના આધારે 3જી ડિસેમ્બરે વહેલી સવારે રાઈટર કંપનીના અધિકારી આશિષ જોશી અને કર્મચારી જયરાજ કોયલી ગામ સ્થિત નિવાસસ્થાને આવ્યા હોવાનું જાણવા મળતા પોલીસે ખાતે દરોડા પાડી આશિષ જોશી અને જયરાજ નામના બે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ માટે કેવડિયા ખાતે લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં રાઈટર કંપનીમાં ફરજ બજાવતા આશિષ જોશી, જયરાજ, નિમેષ અને હાર્દિક નામના ચાર કર્મચારી સહિત અન્ય કેટલાક કર્મચારી આ કૌભાંડમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

તો બીજી બાજુ આ કેસમાં તપાસ કરતા અધિકારી કેવડિયા DYSP વાણી દુધાતે કોઈ પણ આરોપીઓની ધરપકડ કરાઈ હોવાનું નકાર્યું હતું, એમણે જણાવ્યું હતું કે અમે અમારી કાર્યવાહી આરંભી દીધી છે, પણ કોઈ પણ આરોપીની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી. વહેલી તકે અમે તમામ આરોપીઓને ઝડપી પાડીશુ.એક તરફ આરોપીઓની ધરપકડ કરી એમને રાજપીપળા ખાતે લવાયા હોવાની ખબરો વહેતી થઈ છે તો બીજી બાજુ પોલીસ નનૈયો ભણી રહી છે

(10:10 pm IST)