Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

બનાસકાંઠાના પાડણ ગામના ખેડૂતો નર્મદાના સિંચાઇના પાણીથી વંચિત : બે દિવસમાં પાણી નહીં મળે તો આત્મ વિલોપનની ચીમકી

વર્ષોથી પાણીની સમસ્યાનો સામનો કરતા પાડણ ગામના ખેડૂતોની હાલત અત્યંત ગંભીર

બનાસકાંઠાના સરહદી વિસ્તારના કેટલાય ગામડાઓના ખેડૂતો નર્મદાના પાણીથી વંચિત છે. સરહદી વિસ્તારના લોકો વર્ષોથી પાણીની સમસ્યાનો સામનો કરતા આવ્યા છે. જયારે પાડણ ગામના ખેડૂતોની હાલત અત્યંત ગંભીર છે. પાડણ ગામે આજદિન સુધી નર્મદાનું સિંચાઇ માટે પાણી આવ્યું નથી.જો બે દિવસમાં પાણી નહીં મળે તો ગામના ખેડતો નર્મદાની કચેરીમાં આત્મવિલોપન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

 બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં શિયાળો આવતાની સાથે છેવાડાના ગામડાઓમાં સિંચાઇ માટે નર્મદાનું પાણી ના મળતા નર્મદાના અધિકારીઓનો કકળાટ ઉઠવા પામ્યો છે. જોકે પાડણ ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે, શિયાળુ સિઝન ચાલુ થયાને એક મહિનો થવા આવ્યા છતાં અમારા ગામમાં નર્મદાનું પાણી આવ્યું નથી. અમે ખેડ ખાતર અને બિયારણમાં મોટા પાયે ખર્ચો કરી નાખ્યો છે અને જો હવે પાણી નહીં આવે તો અમે પાયમાલ થઈ જઇશું.

(1:46 pm IST)