Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

પાલિકા - પંચાયતોની ચૂંટણી લડવા નવા રાજકીય પક્ષો મેદાનમાં

બીટીપી, નવીન ભારત નિર્માણ પક્ષ, નાગરિક હક્ક પાર્ટી, હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટી, રાષ્ટ્રીય સમાજ પક્ષ, જનસંઘર્ષ વિરાટ પાર્ટી, મધરલેન્ડ પાર્ટી વગેરેને માન્યતા : નવા માન્યતા પ્રાપ્ત પક્ષોને ઘરઘંટી, ઓટો રીક્ષા, ખાટલો, દફતર, હોડી ચલાવતો માણસ, કપ રકાબી, પાટી, વાંસળી વગેરે ચૂંટણી પ્રતીક ફાળવાયા : મત પામવાના અને કાપવાના સમીકરણો

રાજકોટ તા. ૪ : રાજ્યમાં આગામી બે-ત્રણ મહિનામાં આવી રહેલ તાલુકા - જિલ્લા પંચાયતો અને મહાનગરપાલિકાઓની ચૂંટણી લડવા ભાજપ, કોંગ્રેસ, એનસીપી જેવા બહુ જાણીતા પક્ષો ઉપરાંત કેટલાક નવા રાજકીય સંગઠનો પણ મેદાનમાં આવ્યા છે. છેલ્લા એકાદ મહિનામાં ૯ જેટલા પક્ષોને રાજકીય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી લડવા માન્યતા આપીને શરતોને આધીન ચૂંટણી પ્રતીક ફાળવવામાં આવ્યા છે.

જાણવા મળ્યા મુજબ જે નવા પક્ષ નોંધાયા છે તેમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી, ભરૂચ (નિશાન : ઘરઘંટી), નવીન ભારત નિર્માણ પક્ષ (ઓટો રીક્ષા), રાષ્ટ્રીય નાગરિક હક્ક પાર્ટી (દફતર), ઓલ ઇન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટી (હોડી ચલાવતો માણસ), રાષ્ટ્રીય સમાજ પક્ષ (કપ રકાબી), બહુજન મુકિત પાર્ટી (ખાટલો), આદિવાસી સેના પાર્ટી (પાટી), જનસંઘર્ષ વિરાટ પાર્ટી, મધરલેન્ડ પાર્ટી વગેરેનો સમાવેશ થાય છે. આ બધા પક્ષ ચૂંટણીમાં પોતાના ઉમેદવાર મૂકી શકશે.

ગુજરાતમાં રાજકીય તાસીર મુજબ સામાન્ય રીતે ભાજપ - કોંગ્રેસ વચ્ચે લડત રહે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એક એક મત નિર્ણાયક હોવાથી અપક્ષો કે અન્ય પક્ષના ઉમેદવારોનું મહત્વ અવગણી શકાય નહિ. ભાજપ - કોંગી સિવાઇના ઉમેદવારો હાર - જીતમાં નિર્ણાયક બન્યા હોય તેવું અનેક વખત બન્યું છે. ચૂંટણીમાં મત મેળવવાના અને મત કાપવાના બન્ને ગણિત મંડાતા હોય છે.

(2:36 pm IST)