Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

શું HRCT (હાઇ રિઝોલ્યુશન કોમ્પ્યુટર ટ્રોમોગ્રાફી) ખરેખર કોરોના ટેસ્ટ છે ?

કોરોના સંક્રમણના પ્રાથમિક તબક્કે HRCT સ્કેન સલાહભર્યો નથી - ડૉ.પંકજ અમીન (રેડિયોલોજીસ્ટ અમદાવાદ સિવિલ હોસ્પિટલ) : એક HRCTમાં છાતીએ ૧૦૦૦ X-RAY જેટલા રેડીએશન ઝીલવા પડે છે : નિષ્ણાંત તબીબો

અમદાવાદ : કોરોનાવાયરસનું સંક્રમણ જાણવા માટે RT-PCR ટેસ્ટ અને રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાવવામાં આવે છે.સરકાર દ્વારા પણ આ બંને ટેસ્ટને જ ગ્રાહ્ય રાખવામાં આવ્યા છે.

પ્રવર્તમાન કોરોનાની સ્થિતિમાં ઘણાય લોકો રેડિયો ડાયગ્નોસીસ માટેના HRCT (હાઇ રિઝોલ્યુશન કોમ્પ્યુટર ટ્રોમોગ્રાફી) સીટી સ્કેનને પણ કોરોનાનો ટેસ્ટ માની બેઠા છે જે  તદ્દન ખોટુ છે. કોવિડ ટેસ્ટ પોઝીટીવ આવે ત્યારે તે વ્યક્તિ દ્વારા અન્ય લોકોને કે પરિવાજનોને સંક્રમણ ન ફેલાય તે માટે સરકાર દ્વારા દર્દીના ધરને કોરોના સંક્રમિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવે છે. દર્દી હોમ આઇસોલેશનમાં હોય ત્યારે અન્ય વ્યક્તિઓ તેનાથી અંતર જાળવે, આ દર્દી થકી પડોશી કે તેના ઘરના સભ્યોને જ સંક્રમણ ન થાય તેની સાવચેતીના ભાગરૂપે ઘરની બહાર આ પ્રકારના સ્ટીકર લગાવવામાં આવે છે.
પરંતુ કોરોનાની પ્રવર્તમાન સ્થિતિમાં ઘણાય પરિવારો આ સમગ્ર પ્રક્રિયા થી બચવા પણ HRCT ટેસ્ટ કરાવી રહ્યા છે જે તબીબી સલાહભર્યુ નથી.

 
શું છે HRCT (હાઇ રિઝોલ્યુશન કોમ્પ્યુટર ટ્રોમોગ્રાફી) આવો જાણીએ.....

રેડિયો ડાયગ્નોસીસમાં HRCTનો ઉપયોગ ફેફસામાં વાયરસની અસર જોવા માટે કરાવવામાં આવે છે. પરંતુ તે ક્યારેય કરાવવો જોઇએ તે માટેના તબક્કા નિર્ધારિત છે. કોરોના વાયરસથી સંક્રમણના શરૂઆતના તબક્કામાં એટલે કે ઇન્ક્યુબેશન ફેઝમાં  દર્દી હોય ત્યારે તબીબો આ ટેસ્ટ કરાવવાની સલાહ આપતા નથી. તાવ આવવો, માથુ દુખવુ જેવા સામાન્ય લક્ષણો ધરાવતા દર્દી માટે આ ટેસ્ટની જરૂરિયાત રહેતી નથી.
તબીબોના મત મુજબ કોરોના વાયરસનાના પ્રાથમિક તબક્કામાં મોટાભાગે એચઆરસીટી સામાન્ય જ આવે છે. ત્યારબાદના પ્રોગ્રેસીવ ટેસ્ટમાં વાયરસ ફેફસા સુધી પહોંચે ત્યારે એચઆરસીટી ટેસ્ટમાં લક્ષણો જણાઇ આવે છે.વાયરસનું સંક્રમણ ગંભીર બને  ત્યારે બંને બાજુના ફેફસા ભરાઇ જાય અને વધારે પડતો સ્કોર જોવા મળે છે . ત્યારબાદ ફેફસામાં રીગ્રેસનનો સ્ટેજ આવે છે એટલે કે ફેફસામાં વાયરસનું સંક્રમણ વધવા લાગે છે.
HRCTમાં દર ચાર થી પાંચ દિવસમાં વાયરસનું સ્ટેજ બદલાય છે તેનુ સ્વરૂપ બદલાતુ જોવા મળે છે. એટલે કે જો વાયરસે ફેફસામાં ગંભીર રીતે નુકસાન પહોંચાડ્યુ હોય તો ૧૪ થી ૨૮ દિવસ દરમિયાનમાં એચઆરસીટીમાં બદલાવ જોવા મળે છે.
શરૂઆતના તબક્કામાં જ્યારે કોવિડ રીપોર્ટ પોઝીટીવ આવે અને HRCT કરાવવામાં આવે ત્યારે તેની સામાન્ય આવવાની સંભાવના પ્રબળ રહેલી છે. જો ઓક્સિજનનું પ્રમાણ ૯૫ ટકા કે તેથી વધારે રહેતુ હોય તો તબીબી સલાહ પ્રમાણે પ્રાથમિક તબક્કામાં એચ.આર.સી.ટી. કરાવવાની જરૂરિયાત રહેતી નથી. બીજા તબક્કા એટલે કે ૭ દિવસ બાદ જ એચઆરસીટી ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવે છે.

HRCT માં બતાવવામાં આવતો CS સ્કોર શું છે?

HRCT દરમિયાન કોરેડ સ્કોર એટલે કે કોવિડ વાયરસે ફેફસામાં કેટલા પ્રમાણમાં અસર કરી છે. ફેફસાનો કેટલો ભાગ કોરોના વાયરસથી સંક્રમિત છે. વાયરસે ફેફસામાં કેટલા પ્રમાણમાં બગાડ કર્યો છે તે આ સ્કોર થી જાણવામાં આવે છે.
મનુષ્યના શરીરમાં બે ફેફસા હોય છે જેમાં જમણા ફેફસામાં ત્રણ અને ડાબા ફેફસામાં બે (lobule) હોય છે. કયા લોબમાં વાયરસની કેટલી અસર છે તે કોરેડ સ્કોર ૨૫ અથવા ૪૦ માંથી આપવામાં આવે છે. જો ૨૫ ના સ્કોર સંલગ્ન વાત કરીએ તો  કોરેડ સ્કોરનો સરવાળો ૮ થી નીચે હોય તો હળવી અસર, આઠથી પંદરની વચ્ચે હોય તો મધ્યમ અને ૧૫થી વધુ હોય તો થોડી ગંભીર અસર માનવામાં આવે છે. કોરેડ સ્કોરમાં ગંભીરતા વધુ જણાઇ આવે ત્યારે જ દર્દીને સધન સારવારની જરૂર પડતી હોય છે. જેમાં તેને ઓક્સિજન અથવા વેન્ટીલેટર પર રાખવાની જરૂર જણાઇ આવે છે.

નિષ્કર્ષ

HRCTનો ઉપયોગ કોરોના રોગનો ફેફસામાં ફેલાવો કેટલા પ્રમાણમાં છે તેને માટે જ કરવાનો રહે છે. કોરોના રોગના નિદાન માટે તેનો ઉપયોગ કરવાનો રહેતો નથી.
કોરોનાના નિદાન માટે આર.ટી.પી.સી.આર. અને એન્ટીજન જ ગ્રાહ્ય છે.

ધ્યાન રાખવા જેવી બાબત

રેડિયોલોજી તબીબી તારણ પ્રમાણે એક HRCT કરાવવાથી મનુષ્યના શરીરમાં લગભગ છાતીના  ૧૦૦૦ X-RAY જેટલુ રેડીએશન ઝીલવુ પડતુ હોય છે. જે રેડિયેશનનો ડોઝ ઘણો જ મોટો કહેવાય છે. લાંબા ગાળે આ રેડિએશનના કારણે કેન્સર થવાની પણ શક્યતાઓ રહેલી છે.
અમિતસિંહ ચૌહાણ

(3:01 pm IST)
  • ઓવૈસીના ગઢમાં ભાજપને સરસાઈ : ગ્રેટર હૈદરાબાદ ચૂંટણીની મતગણતરી શરૂ : પ્રારંભિક વલણમાં ભાજપ 30 બેઠકો પર અને ટીઆરએસ 15 બેઠકો પર આગળ : access_time 9:37 am IST

  • આગામી બજેટમાં સરકારી તિજોરી છલકાવવા માટે નવો રસ્તો શોધી કાઢ્યો? હવે ટેક્ષ ઉપર નવી 'સેસ' લાદવામાં આવે તેવી સંભાવના: ૧ ફેબ્રુઆરીએ આવી રહેલા આગામી કેન્દ્રીય બજેટમાં મોદી સરકાર સંભવતઃ ડાયરેકટ અને ઇનડાયરેકટ ટેકસ ઉપર, નવી સેસ લાદવા જઈ રહ્યાનું આધારભુત વર્તુળોમાંથી જાણવા મળે છે.. (ન્યૂઝફર્સ્ટ) access_time 11:15 am IST

  • દેશમાં કોરોનાથી સ્વસ્થ થનારની સંખ્યા 90 લાખને પાર પહોંચી : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં ઘટાડો : રાત્રે 9 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 29,331 કેસ નોંધાયા:કુલ કેસની સંખ્યા 95,64,565 થઇ :એક્ટીવ કેસ 4, 14,924 થયા : વધુ 35,536 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 90,07,247 રિકવર થયા :વધુ 416 ના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,39,102 થયો access_time 12:21 am IST