Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

દાહોદ નજીકના ખરેડી ગામનો કુખ્‍યાત સાયકો કિલર દિલીપ દેવળ મધ્‍યપ્રદેશ પોલીસના હાથે એન્‍કાઉન્‍ટરમાં ઠાર મરાયો

દાહોદ: દાહોદ નજીક ખરેડી ગામના કુખ્યાત સાયકો કિલરને મધ્યપ્રદેશની પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. દાહોદમાં બે હત્યા કરી આજીવન કારાવાસની સજા ભોગવતો દિલીપ દેવળ પેરોલ જમ્પ કરી 2 વર્ષથી ફરાર હતો. ફરાર થયા બાદ તે મધ્યપ્રદેશના રતલામમાં રહેતો હતો. દિલીપ દેવળે રતલામમાં દેવદિવાળીના દિવસે એક જ પરિવારના ત્રણ લોકોની હત્યા કરી હતી. ત્યારે તે મધ્યપ્રદેશની પોલીસના ચોપડે વોન્ટેડ હતો. ત્યારે એક એન્કાઉન્ટરમાં દિલીપ દેવળ ઠાર મરાયો છે.

દેવદિવાળીએ દિલીપે મધ્યપ્રદેશમાં 3ની હત્યા કરી હતી

દેવ દિવાળીના દિવસે દિલીપ દેવળ તેમજ તેના સાગરિતોએ લૂંટ ચલાવી હતી. ટ્રિપલ મર્ડરનો મુખ્ય આરોપી દિલીપ દેવળને મધ્યપ્રદેશની પોલીસ શોધી રહી હતી. ગત મોડી રાત્રે મધ્યપ્રદેશની રતલામ પોલીસે રતલામની હોમગાર્ડ કોલોની નજીજ દિલીપ દેવળને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો. પોલીસે દિલીપ દેવળને પકડવા જતાં તેણે પોલીસ પર ફાયરિંગ કર્યું હતું જેમાં 5 પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા. પોલીસે સામે ફાયરિંગ કરતાં દિલીપ દેવળનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે.

બાતમી મળતા રતલામ પોલીસે નાકાબંધી કરી હતી

પોલીસે દિલીપને પકડવા માટે રતલામ ડિવિઝનની તમામ તેમજ ગુજરાતની તમામ બોર્ડરો સીલ કરી હતી. તે દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે, રતલામની ખાચરોદ ચોકડી ફોર લેન હાઇવે પર હોમગાર્ડ કોલોની નજીકથી દિલીપ પસાર થઈ રહ્યો છે. આ બાતમીના આધારે રતલામ પોલીસે નાકાબંધી કરી હતી. જોકે પોલીસને જોતા જ દિલીપે ફાયરિંગ કર્યું હતું. જેમાં 5 પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા અને સામે પોલીસે ફાયરિંગ કરતાં દિલીપ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો.

(5:36 pm IST)