Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

અમદાવાદની એલ.જી. હોસ્‍પિટલમાં પાંચ કરોડની ફાળવણી છતાં કાર્ડિયોલોજી કેથલેબ ચાલુ ન કરાતા દર્દીઓ હેરાન-પરેશાન

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાંચ વર્ષ પહેલા એલજી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી કેથલેબ માટે 5 કરોડની ફાળવણી કરી હતી. આ સાથે કાર્ડિયોલોજી કેથલેબ ચલાવવા માટે ડોક્ટર સહિતના સ્ટાફની ફાળવણી કરી દેવાઈ હતી. હજુ સુધી કેથલેબ ઊભી કરવામાં આવી નથી.

આ અંગે એવું કહેવાય છે કે જૂની વી. એસ હોસ્પિટલ અને નવી એસવીપી હોસ્પિટલ સત્તાવાળાઓ પોતાની મોનોપોલી ટકાવી રાખવા માટે એલજી હોસ્પિટલમાં કેથલબ શરૂ થવા દેવા માંગતા નથી. પાંચ વર્ષથી પાંચ કરોડની ફાળવણી કરી હોવા છતાં કૅથલેબનું અમલીકરણ થઇ શક્યું નથી. પૂર્વ વિસ્તારની સૌથી મોટી મ્યુનિ તંત્રની એલ.જી. હોસ્પિટલમાં કેથલેબની સુવિધા ઊભી થઈ શકતી નથી. ઇમર્જન્સીમાં પૂર્વ વિસ્તારના નાગરિકોએ એસવીપી હોસ્પિટલમાં આવવું પડે છે.

શહેરના મણીનગર વિસ્તારમાં એલજી હોસ્પિટલ આવેલી છે, જેની ક્ષમતા 800 બેડની છે. આ હોસ્પિટલમાં તમામ પ્રકારની આરોગ્ય સુવિધાઓ છે પણ હાર્ટને લગતા ઓપરેશનનો કે પછી ટેસ્ટ કરાવવા માટે નાગરિકોને એસવીપી હોસ્પીટલ કે સિવિલ હોસ્પિટલ સુધી જવું પડે છે. એનું કારણ એવું છે કે એલ.જી. હોસ્પિટલમાં કાર્ડિયોલોજી કૅથલેબની સુવિધા નથી. કૅથલેબની સુવિધા હોય તો હાર્ટને લગતા ટેસ્ટ અને ઓપરેશન કરી શકાય છે. હાલની સ્થિતિમાં એસવીપી હોસ્પીટલ આખી કોવિડ હોસ્પિટલમાં ફેરવી દેવાઈ છે.

આ પ્રકારના સંજોગોમાં હાર્ટના દર્દીઓને તમામ ટેસ્ટ અને ઓપરેશન માટે એક માત્ર સિવિલ હોસ્પિટલમાં જવું પડે છે. આ પહેલા વીએસ હોસ્પિટલમાં સુવિધા હતી પણ એસવીપી હોસ્પિટલ કાર્યરત થઇ ત્યારે જૂની વી.એસ હોસ્પિટલ માત્ર 500 બેડની કરી દેવાઈ હતી. એટલા માટે અહીં કાર્ડિયોલોજીને લગતી સુવિધા બંધ હાલતમાં છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા તાજેતરમાં વીએસ હોસ્પિટલની કૅથલેબને તોડવાની મંજૂરી આપી દેવાઇ હતી. તેથી સ્પષ્ટ છે કે હવે જૂની હોસ્પિટલમાં કેથલેબની સુવિધા રહેશે નહીં.

નાગરિકોએ માત્ર એસવીપી હોસ્પિટલમાં જ કાર્ડિયોલોજીને લગતી સેવાઓ લેવી પડશે પણ હાલમાં એસવીપી હોસ્પિટલ એ કોવિડ હોસ્પિટલ હોવાથી આ તમામ પ્રકારની સેવાઓ બંધ છે. આ પહેલા એલજી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી કેટલા શરૂ કરવા માટે બજેટની ફાળવણી કરવામાં આવી હતી.

ડોક્ટર નિમણૂક કરી દેવામાં આવી હતી અને કેથલેબ ઊભી કરવાનો પ્લાન પણ તૈયાર હતો. જોકે, કેટલાક અધિકારીઓ અને ડોક્ટરો એલજી હોસ્પિટલમાં આ સુવિધા ઊભી થાય તેવું ઇચ્છતા નથી. પાંચ વર્ષથી બજેટ ફાળવણી હોવા છતાં કેથલેબ સુવિધાઓ ઉભી થઇ રહી નથી. જો એલજી હોસ્પિટલમાં કેથલેબ શરૂ થઈ જાય તો પૂર્વ વિસ્તારના હજારો નાગરિકોને હાર્ટને લગતી બીમારીઓ માટે સિવિલ કે એસવીપી હોસ્પિટલ સુધી ધક્કો નહીં ખાવો પડે.

(5:42 pm IST)