Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

સુરતના પરગટ પાટિયા વિસ્તારમાં લાંચ લેવા મામલે એસીબીએ બે વર્ષ બાદ ગુન્હો નોંધ્યો

ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા 60 હજારની માંગણી કરી હતી જોકે લાંચ સ્વીકારી નહતી : એસીબીએ તપાસ બાદ ગુન્હો નોંધ્યો

સુરતમાં જેમાં બે વર્ષ અગાઉ  પરવટ પાટિયા વિસ્તારમાં આવેલી અભિલાષા હાઇટ્સમાં સલૂન અને મસાજ પાર્લરના દુકાનદારોને બે પોલીસકર્મીઓ દ્વારા દિવાળીના તહેવારમાં ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા 60 હજારની માંગણી કરવામાં આવી હતી. જોકે બાદમાં બન્નેએ લાંચ ન સ્વિકારી હતી, પરંતુ ACBએ પૂરવાના આધારે તપાસ કરી બે વર્ષ બાદ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

વર્ષ 2018માં પોલીસકર્મી પ્રકાશ મોતી દેસાઈ અને મહાવીરસિંહ નરપતસિંહ જાડેજા સામે ACBએ બે વર્ષ પહેલા ટ્રેપ ગોઠવી હતી. જોકે બન્ને શંકા જતા ટ્રેપ ફેઇલ ગઈ હતી. પરંતુ એસીબીએ બન્ને લાંચીયા પોલીસકર્મીઓ દ્વારા ફોન પર જે વાત કરી રૂપિયાની માંગણી હતી, તે સંદર્ભે બન્નેને ACBની કચેરીએ બોલાવી તેમના નિવેદનો લીધા હતાં, આ સાથે જ ગાંધીનગર ખાતે વોઇસ સ્પ્રેકટ્રોગ્રાફી પણ કરવામાં આવી હતી. પોલીસકર્મીઓએ ફોન પર રૂપિયાની માંગણી કરી હતી, તે ઓડીયોની સીડી એફએસએલમાં મોકલવામાં આવી હતી.

એફએસએલના પરિક્ષણમાં પોલીસકર્મી પ્રકાશ મોતી દેસાઈ અને મહાવીરસિંહ નરપતસિંહ જાડેજાનો જ વોઇસ હોવાનો પ્રાથમિક રિપોર્ટ આપવામાં આવ્યો હતો. એસીબીના હાથે મહત્વનો પુરાવો લાગતાં, બે વર્ષ બાદ એસીબીએ પ્રકાશ મોતી દેસાઈ અને મહાવીરસિંહ નરપતસિંહ જાડેજા સામે ડીમાન્ડનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ કોસ્ટેબલ પ્રકાશ દેસાઈ ટ્રાફિક પોલીસમાં રિજીયન-2માં અને મહાવીરસિંહ જાડેજા પુણા પોલીસમાં ફરજ બજાવે છે.

(11:22 pm IST)