Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

રાંધણગેસમાં ભાવવધારાની આગ ગૃહિણીઓને દઝાડશે

સિલિન્ડરના ભાવમાં ફરી રૂ.૨૫નો તોતિંગ વધારો ઝીંકાયોઃ બે મહિનામાં ત્રણ વખત ભાવ વધારાથી બાટલો રૂ.૧૨૫ મોંઘો+

અમદાવાદ, તા.૫: LPGના બાટલાની કિંમતમાં ફરીવાર થયેલા વધારાના પગલે ગૃહિણીઓના બજેટ ખોરવાશે. LPG બાટલાની કિંમતમાં આ વખતે રૂ.૨૫નો વધારો ઝીંકવામાં આવ્યો છે. જેના પગલે અમદાવાદમાં LPGના બાટલાની કિંમત રૂ.૭૨૬ પર પહોંચી ગઇ છે. માત્ર બે માસના ટંૂકા ગાળામાં જ ગેસના બાટલાની કિંમતમાં રૂ.૧૨૫નો તોતિંગ વધારો ઝીંકાતા ગૃહિણીઓની સ્થિતિ કફોડી બની છે. આ અગાઉ ૨ ડીસેમ્બરના રોજ રૂ.૫૦નો અને ૧૫ ડીસેમ્બરના રોજ રૂ.૫૦નો વધારો કરવામાં આવ્યો હતો. બીજી બાજુ સરકાર દ્વારા હજુ સુધી બાટલા પર અપાતી સબસીડી ચાલુ કરવામાં આવી ન હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આમ, માત્ર ૨ માસના ટૂંકા સમયમાં રૂ.૬૦૧માં મળતો ગેસનો બાટલો રૂ.૭૨૬ સુધી પહોંચી ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, LPGના બાટલાના ભાવો સતત આસમાને જઇ રહ્યા હોઇ લોકોની હાલત કફોડી બની છે. ટૂંકા ગાળામાં સબસીડીવાળા LPG સિલિન્ડરના ભાવમાં સરકાર દ્વારા ફરી વધારો થતાં લોકોમાં રોષ ફેલાયો છે. નવેમ્બર, ૨૦૨૦ના અંત સુધી LPG સિલિન્ડરના ભાવ અમદાવાદમાં રૂ.૬૦૧ હતા. જો કે, ત્યારબાદ ડિસેમ્બર માસમાં સિલિન્ડરના ભાવોમાં વધારો ઝીંકવામાં આવ્યો હતો. જેમાં સૌપ્રથમ ૨ ડીસેમ્બરના રોજ ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂ.૫૦નો વધારો કરી દેવાતા ભાવ રૂ.૬૫૧ પર પહોંચ્યા હતા. ત્યારબાદ ૧૫ ડીસેમ્બરના રોજ ફરી વાર રૂ.૫૦નો વધારો ઝીંકાયો અને અમદાવાદમાં બાટલાના ભાવ રૂ.૭૦૧ સુધી પહોંચી ગયા હતા. આમ, ડીસેમ્બર માસમાં LPG ના બાટલામાં માંડ ૧૫ દિવસના ટૂંકાગાળામાં રૂ.૧૦૦નો તોતિંગ વધારો કરી દેવાતા ભારે આક્રોશ ફેલાયો હતો. ગૃહિણીઓ હજુ આ રૂ.૧૦૦ના તોતિંગ વધારા સામે છંછેડાયેલી છે ત્યાર સરકારે ફરીવાર LPG ના બાટલામાં રૂ.૨૫નો વધારો કરી દીધો છે. જેના પગલે હવે અમદાવાદમાં ગેસના બાટલાના ભાવ રૂ.૭૨૬ સુધી પહોંચી ગયો છે. એક બાજુ ગેસના બાટલાના ભાવો સતત વધી રહ્યાં છે અને બીજી બાજુ આ બાટલા પરની સબસિડી લાંબા સમયથી બંધ કરી દેવાઇ છે. જેથી ગૃહિણીઓમાં વધુ રોષ જોવા મળી રહ્યા છે.

રાઉન્ડ ફીગરમાં જ પૈસા વસૂલાય છે

ગેસના બાટલાના ભાવો મુજબ પૈસા ઉઘરાવવાના બદલે ડિલિવર બોય રાઉન્ડ ફીગરમાં જ પૈસા ઉઘરાવતા હોવાનું જાણવા મળે છે. હાલમાં ગેસના બાટલાના ભાવ રૂ.૭૨૬ છે ત્યાારે ડિલિવરી બોય દ્વારા રૂ.૭૩૦ જ લેવાય છે. આ જ રીતે જયારે ભાવ રૂ.૭૦૧ હતા ત્યારે પણ ડિલિવરી બોય દ્વારા ૭૧૦ ઉઘરાવતા હોવાનું જાણવા  મળ્યું છે. આમ, ડિલિવર બોય બાટલાની કિંમતને બદલે ત્યારબાદ આવતી રાઉન્ડ ફીગર ભાવ વસૂલી રહ્યાં છે.

(10:26 am IST)