Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

ગૃહરાજય મંત્રી ડેમેજ કન્ટ્રોલ કરવા દોડયા

ભાજપના ખાનપુર કાર્યાલય પર નારાજ કાર્યકર્તાઓ ઉમટયા

ભાજપે ગઈકાલે તમામ મહાનગરપાલિકાના પોતાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યુ છેઃ આ લિસ્ટ જાહેર કરાયા બાદ લગભગ તમામ મહાનગરપાલિકામાં ભાજપને નારાજગી, વિરોધનો સામનો કરવો પડયો છે

અમદાવાદ, તા.૫: ભાજપે ગઈકાલે તમામ મહાનગરપાલિકાના પોતાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યુઁ છે. આ લિસ્ટ જાહેર કરાયા બાદ લગભગ તમામ મહાનગરપાલિકામાં ભાજપને નારાજગી, વિરોધનો સામોનો કરવો પડ્યો છે. તો કેટલાક પાલિકામાં રાજીનામા અને પક્ષપલટાની કામગીરી પણ થઈ રહી છે. આવામાં અમદાવાદમાં અનેક કાર્યકર્તાઓની નારાજગી ભાજપે વહોરી લીધી છે. અમદાવાદના લિસ્ટમાં અનેક નવા ચહેરાઓને સ્થાન આપવામા આવ્યું છે. ત્યારે અમદાવાદમાં અનેક વોર્ડમાં વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યાં છે. જેમાં ભાજપના ખાનપુરના કાર્યાલય ખાતે પણ નારાજ કાર્યકર્તાઓનું મોટું જૂથ પહોંચ્યું હતું. જેને પગલે રાજયગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ ખાનપુર કાર્યાલયે દોડી આવ્યા છે અને ડેમેજ કન્ટ્રોલ કરવા માટે કવાયત હાથ ધરી રહ્યા છે. તો ભાજપના શહેર પ્રભારી આઈકે જાડેજાએ પણ નારાજ કાર્યકર્તાઓને મનાવવાના પ્રયાસો કર્યા હતા.

ગૃહરાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા પહોંચ્યા ખાનપુર ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા. તેમણે શહેર પ્રભારી આઈ કે જાડેજા અને શહેર પ્રમુખ જગદીશ પંચાલ સાથે મુલાકાત કરી હતી. તેમજ ઉમેદવારો જાહેર થયા બાદની સ્થિતિ અંગે ચર્ચા પણ કરી હતી.

તો ભાજપ શહેર પ્રભારી આઈ કે જાડેજાએ શહેર સંગઠનમાં નારાજગી અંગે જણાવ્યું કે, કેટલાક વિસ્તારોમાં કાર્યકરોને નારાજગી હશે, દુઃખ થયું હશે. ૩ હજાર કરતા વધુ દાવેદારોમાંથી ૧૯૨ની પસંદગી કરીએ એટલે કયાંક દુઃખ થવું સ્વાભાવિક છે. તમામ કાર્યકરોની વાત સાંભળવામાં આવી છે. તમામ સક્રિય કાર્યકરોને ટિકિટ આપી છે. ઉદ્યોગપતિ, શિક્ષકોથી લઈ રેંકડી ચલાવવાવાળા સુધીના બધાને ટિકિટ આપી છે. કયાંક કોઈ નારાજગી હશે પણ તમામ સાથે વાત કરી છે. સિનિયર કોર્પોરેટરોને પણ કાપ્યા નથી, તેમની સાથે પણ વાત કરી છે. કાર્યકરો અને આગેવાનોના દમ પર જ ચૂંટણી જીતીશું. અનામતના કારણે મોટા ફેરફારો થયા છે તેની નારાજગી હોઈ શકે છે. ભારતીય જનતા પાર્ટીના અમદાવાદ મહાનગર પાલિકાના ઘણા ઉમેદવાર આજનું વિજય મુહૂર્ત ચૂકયા હતા. ભાજપ પ્રમુખે ૧૨.૩૯ એ તમામ ઉમેદવાર ફોર્મ ભરશે તેવો દાવો કર્યો હતો. પરંતુ અનેક ઉમેદવારો આ મુહૂર્તમાં ફોર્મ ભરી શકયા ન હતા. સરદાર નગર, નરોડા, કુબેરનગર, સૈજપુર બોદ્યા, ઇન્ડિયા કોલોની, ઠક્કરબાપા નગર,  દરિયાપુર, ખાડિયા, જમાલપુર, અસારવા, શાહીબાગ, શાહપુરના એક પણ ઉમેદવાર સમયસર ફોર્મ ભરવા પહોંચી શકયા ન હતા. આમ, ભાજપના અનેક ઉમેદવારો આજનું વિજય મુહૂર્ત ચૂકયા હતા.

(3:57 pm IST)