Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

ખાદ્યતેલોમાં તેજી કયારે અટકશે ? સીંગતેલ અને કપાસીયા તેલમાં વધુ ૧૦ રૂ,નો ઉછાળો

ચૂંટણી ટાંકણે જ પ્રજાને મોંઘવારીનો ડામઃ પેટ્રોલ-ડિઝલ અને ખાદ્યતેલોના ભાવો આસમાને : ચાલુ સપ્તાહમાં સીંગતેલ ૪૦ અને કપાસીયા તેલ ૩૦ રૂ, મોંઘુ થયું: સીંગતેલ ડબ્બાના ભાવ ૨૪૦૦ અને કપાસીયા તેલના ભાવ ૧૮૦૦ રૂ, થયા

રાજકોટ, તા. ૫ :. પેટ્રોલ, ડીઝલ અને ખાદ્યતેલોના ભાવો સતત વધી રહ્યા છે. આજે સીંગતેલ અને કપાસીયા તેલમાં વધુ ૧૦ રૂ,નો ઉછાળો થયો છે.

સ્થાનિક બજારમાં કાચા માલની અછતના અહેવાલે આજે પણ સીંગતેલમાં ૧૦ રૂ,નો ઉછાળો થયો હતો. સીંગતેલ લુઝ ૧૦ કિ.ગ્રા.ના ભાવ ૧૪૨૫ રૂ, હતા તે વધીને આજે બપોરે ૧૪૩૫ રૂ, ભાવ બોલાયા હતા. સીંગતેલ નવા ટીનના ભાવ ૨૩૪૦થી ૨૩૮૦ રૂ, હતા તે વધીને ૨૩૫૦થી ૨૩૯૦ રૂ, થઈ ગયા છે. સીંગતેલની સાથે કપાસીયા તેલમાં પણ ૧૦ રૂ,નો ભાવ વધારો થયો છે. કપાસીયા તેલ લુઝના ભાવ ૧૦૫૦ રૂા હતા તે વધીને આજે બપોરે ૧૦૬૦ રૂ, થયા હતા જ્યારે કપાસીયા ટીનના ભાવ ૧૭૭૦તી ૧૭૯૦ રૂ, હતા તે વધીને ૧૭૮૦થી ૧૮૦૦ રૂ, થયા હતા.

ચાલુ સપ્તાહમાં કાચા માલની અછતના બહાને સટોડીયાઓએ સીંગતેલમાં ૪૦ રૂ, અને કપાસીયા તેલમાં ૩૦ રૂ,નો ભાવ વધારો ઝીંકી દીધો છે. ચૂંટણી ટાંકણે પેટ્રોલ-ડિઝલની સાથે ખાદ્યતેલોના ભાવો ભડકે બળતા પ્રજા મોંઘવારીના ડામથી ત્રાહીમામ પોકારી ગઈ છે. ખાદ્યતેલોમાં તેજી કયારે અટકશે ? તેવો પ્રશ્ન લોકોમાં પૂછાઈ રહ્યો છે.

(3:56 pm IST)