Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

સુરતમાં કોર્પોરેશનની ચૂંટણીમાં ૧૨૦ બેઠકમાંથી એકપણ બેઠક ઉપર તેના સમાજના ઉમેદવારની પસંદગી ન કરાતા ઓરીસ્સા સમાજ દ્વારા મતદાન બહિષ્કારની ચિમકીઃ ભાજપના ૧૦૦થી વધુ રાજીનામા પડ્યા

સુરત: ભાજપે ગઈકાલે સુરતના તમામ વોર્ડ માટે પોતાના ઉમેદવારો જાહેર કર્યાં છે. ત્યારે આજે સુરતમાં ભાજપના ઉમેદવારો વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે. અલગ અલગ 15 સ્થળો પર ફોર્મ ભરાશે. 119 ઉમેદવારો હાલ ફોર્મ ભરવાની પ્રક્રિયા કરી રહ્યાં છે. તમામ જાહેર ઉમેદવારોના ઘરે હાલ ઉજવણીનો માહોલ છે. પરંતું સુરત ભાજપમાં મોટાપાયે નારાજગીનો દોર જોવા મળી રહ્યો છે. સુરતમાં નામ જાહેર થતા જ ભાજપમાં ભડકો થયો છે. અનેક કાર્યકર્તાઓએ વિરોધ દર્શાવ્યો છે. તો આ સંદર્ભમાં ટપોટપ રાજીનામા પણ પડી રહ્યાં છે.

સુરતમાં ભાજપમાં 100 થી વધુના રાજીનામા

સુરતમાં વોર્ડ નંબર 26 માં ભડકો જોવા મળ્યો છે. સુરતમાં વર્ષોથી કામ કરતા કાર્યકરોને નજર અંદાજ કરાયા છે તેવું તેમનું કહેવું છે. ત્યારે આ કાર્યકર્તાઓએ ભાજપના વિવિધ પદો પરથી રાજીનામા આપ્યા છે. તેમની સાથે 100 થી વધુ લોકોએ રાજીનામાં આપ્યા છે.

સુરતમાં નામ જાહેર થતા જ ભાજપમાં ભડકો જોવા મળ્યો છે. સરથાણા વિસ્તારમાં કાર્યકર્તાઓએ ભારે વિરોધ દર્શાવ્યો છે. ભાજપના ધારાસભ્ય વી. ડી. ઝાલાવાડિયાની ઑફિસ બહાર મોટાપાયે કાર્યકર્તાઓ પહોંચ્યા હતા. ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરી કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિક લોકોને ટિકિટ ન આપવામાં આવતા લોકોએ વિરોધના રસ્તે જવું પડ્યું. ત્યારે ધારાસભ્યએ લોકોને સમજાવવાનો પ્રયાસ કરવો પડ્યો હતો.

સુરતમાં ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડના નિયોમોનું ભંગ થયું છે તેવું કાર્યકર્તાઓએ જણાવ્યું. પક્ષે પોતે જ બનાવેલા નિયમોને ભૂલીને સંબંધી અને 60 વર્ષ વધુ ઉંમરનાને ટિકિટ આપી છે તેવું કાર્યકર્તાઓનું કહેવું છે. સુરતમાં પ્રદેશ મહામંત્રીના સગાને ટિકિટ આપી છે. વોર્ડ નંબર-10માં ઉર્વશી પટેલને ટિકિટ આપી છે. વોર્ડ નંબર-6માં 61 વર્ષના અનિતા દેસાઈને ટિકિટ આપી છે તે વાતે કાર્યકર્તાઓએ વિરોધ દર્શાવ્યો છે.

ઓરિસ્સાના લોકોનો વિરોધ

સુરતમાં વોર્ડ નંબર 27 માં ભડકો જોવા મળ્યો હતો. આ વોર્ડમાં એક પણ ગુજરાતીને ટિકિટ આપવામાં આવી નથી. આ વોર્ડમાં મરાઠી અને ઉત્તર ભારતીય ઉમેદવારોને ટિકિટ અપાઈ છે. તો સુરતમાં મોટા પ્રમાણમાં ઓરિસ્સાના લોકો પણ રહે છે. આવામાં તેમના ઉમેદવારને ટિકિટ ન આપતા ઓરિસ્સાના વતનીઓએ મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. ઓરિસ્સા સમાજના લોકો ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા. 120 બેઠકમાંથી 1 પણ બેઠક માટે સમાજના ઉમેદવાર ન હોવાથી નારાજગી દાખવી છે. મોટી સંખ્યામાં સમાજના લોકો ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સુરતમાં લાખોની સંખ્યામાં ઓરિસ્સા સમાજના લોકો રહે છે. તેથી ઓરિસ્સાવાસીઓ ભાજપ કાર્યાલય બહાર દેખાવો કરીને ઘરણા પર બેસ્ય હતા. ‘ટિકિટ નહિ તો મત નહિ’ તેવી માંગણી સાથે તેઓએ વિરોધ દર્શાવ્યો છે.

(4:42 pm IST)