Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

અયોધ્યામાં નિર્માણાધીન શ્રીરામ મંદિર માટે હિંમતનગરના ચૌહાણ પરિવારનું અનોખુ યોગદાનઃ પુત્રના લગ્નમાં આવનાર ચાંદલાની રકમ અર્પણ કરશે

સાબરકાંઠા: 21મી સદીમાં ચંદ્ર અને મંગળ પર જવાના સપના જોઈ રહેલો કાળા માથાનો માનવી જીવનના અમુક પ્રસંગોને યાદગાર બનાવવા ઈચ્છે છે, ત્યારે સાબરકાંઠાના હિંમતનગરમાં બેરણા રોડ પર રહેતા અપરણિત યુવકે રામ મંદિરમાં મદદ કરીને પોતાના લગ્નને યાદગાર બનાવ્યા છે. રીતરિવાજ મુજબ સગાવ્હાલા દ્વારા કરાતા ચાંદલાની રકમને રામ મંદિરના નિર્માણ માટે આપવાનો સંકલ્પ કરી યુવકે પ્રસંગ અને સમાજને રાષ્ટ્રભાવના સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે.

હિંમતનગરમાં રહેતા સોફ્ટવેર એન્જિનિયરની ડિગ્રી ધરાવતા સચીન ચૌહાણના 13 માર્ચના રોજ લગ્ન યોજાવાના છે. તેઓ સમાજના રીતરિવાજ મુજબ હિન્દુ વિધિથી લગ્ન કરશે. તેઓ 13 માર્ચના રોજ લગ્નગ્રંથીથી જોડાશે. હાલ ફ હિન્દુઓના પવિત્ર આસ્થા સમાન રામ મંદિરનું અયોધ્યામાં નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે અનેક લોકો પોતાની યથાશક્તિ પ્રમાણે તેમાં ફાળો આપી રહ્યાં છે. આવામાં આ નવયુગલે એવું નક્કી કર્યું છે કે, તેમના લગ્નમાં સગાસંબંધી જે રકમ ચાંલ્લા સ્વરૂપે આપશે તેને રામ મંદિરના નિર્માણ કાર્ય માટે દાન કરશે. આમ તેઓ આ દાનથી પોતાના લગ્નને યાદગાર બનાવશે. પુત્રના આ નિર્ણયથી તેમના માતા-પિતા પણ ખુશ થયા છે.

હિમતનગરમાં ચૌહાણ પરિવારે પોતાના પુત્રના લગ્નમાં આવનાર ચાંદલાની રકમને શ્રીરામ મંદિરના નિર્માણમાં નિધિ તરીકે આપવાનું નક્કી કર્યું છે. તે માટે તેઓએ અગાઉથી લગ્ન પત્રિકામાં પણ પોતાના આ સંકલ્પનો ઉલ્લેખ કર્યો છે. સચીન ચૌહાણના પિતા યોગેશ ચૌહાણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારા સાથે જોડાયેલા છે. તેમણે પણ પોતાની યુવાનીમાં રામ મંદિર માટેની ગતિવિધિઓ અને આંદોલનો પણ જોયા છે, આડકતરી રીતે તેઓ સહભાગી પણ થયા છે. જેથી પુત્રના આ નિર્ણયથી તેઓ ખુશ થયા છે. આ નવ યુગલના લગ્નનો આ પ્રસંગ શ્રીરામ મંદિરના નિર્માણ સાથે યાદગાર બની જશે.

આજના જમાનામાં અનેક યુવાનો જીવનમાં એક જ વખત આવતા લગ્ન જેવા પ્રસંગને યાદગાર બનાવવા તેને સેવાકાર્ય સાથે જોડે છે. ત્યારે રામ મંદિરના નિર્માણ માટે ચાંલ્લો આપવાની રોકડ રકમ ભેટ આપવાના સંકલ્પને પોતાના પ્રંસગને એક રાષ્ટ્ર ભાવના સાથે જોડી સમાજને દાન માટેની ઉદાર ભાવના તરફ પ્રેરવાનો પ્રયત્ન કરાયો છે.

(4:42 pm IST)