Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

વડોદરામાં ભાજપમાંથી કોર્પોરેશનની ટિકીટ ન મળતા ભાજપના કાર્યકર ગીતાબેન રાણા જોરજોરથી રડવા લાગ્યા

વડોદરા: ગઈકાલે ભાજપે 6 મહાનગરપાલિકાના ઉમેદવારોના નામ જાહેર કર્યાં. જેમાં વડોદરાના ઉમેદવારોનું લિસ્ટ પણ જાહેર કર્યું. ત્યારે જે ઉમેદવારોને ટિકિટ મળી છે તેમની ખુશીનો પાર ન રહ્યો. પરંતુ જે કાર્યકરોને ટિકિટ ન મળી તેઓ દુખમાં ગરકાવ થયા હતા. અનેક કાર્યકર્તાઓએ વિરોધ સાથે પોતાને ટિકિટ ન મળ્યાનું દુખ વ્યક્ત કર્યું હતું. પરંતુ વડોદરામાં ભાજપના એક મહિલા કાર્યકરે ટિકિટ ન મળતા હોબાળો મચાવ્યો, તેમજ તેઓ કેમેરા સામે જોરજોરથી રડવા પણ લાગ્યા હતા.

વડોદરામાં ભાજપ ઉમેદવાર જાહેર થતાં જ કકળાટ શરૂ થયો છે. ગઈકાલે જ્યારે ઉમેદવારોનું લિસ્ટ જાહેર થયું તો વોર્ડ 7 ના ભાજપના કાર્યકર ગીતાબેન રાણાએ હોબાળો મચાવ્યો હતો. પોતાનું નામ જાહેર ન થતા ગીતાબેન પાર્ટી કાર્યાલય પર પહોંચી ગયા હતા અને હોબાળો કર્યો હતો. એટલુ જ નહિ, ગીતાબેન રાણા જોર જોરથી રડવા લાગ્યા હતા. ટિકિટ ના મળતા ગીતાબેન રાણા રડી પડ્યા હતા. ત્યારે શહેર ભાજપ મહામંત્રી રાકેશ સેવકે ગીતાબેન રાણાને સમજાવ્યા હતા. ત્યારે ગિન્નાયેલા ગીતાબેને અપક્ષમાં લડવાની જાહેરાત કરી હતી.

ગુસ્સામાં રડી પડેલા ગીતાબેનને તમામ નેતાઓએ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમને પાણી પીવડાવીને શાંત કરવાનો પ્રયાસ કરાયો હતો. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ગીતાબેન કેવી રીતે રડી પડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ચૂ્ંટણીમાં ઉમેદવારોનું લિસ્ટ જાહેર થાય એટલે ક્યાંક ખુશી અને ક્યાંક ગમનો માહોલ જોવા મળતો હોય છે. આવામાં અનેક ઉમેદવારો નિરાશ થતા હોય છે અને પાર્ટી સામે બળવો પોકારતા હોય છે.

(4:43 pm IST)