Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

કલોલના પલોડીયામાં જીએસટી દરોડામાં બંદોબસ્તમાં ગયેલ પોલીસે વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપી પાડ્યોઃ ઇલક્ટ્રો થર્મ કંપનીના બોક્સમાંથી ૩૫ લાખનો દારૂ જપ્ત

કલોલ: કલોલના પલોડીયામાં GSTના દરોડામાં બંદોબસ્તમાં ગયેલી પોલીસે વિદેશી દારૂ ભરેલી ટ્રકને ઝડપી પાડી હતી. પોલીસને ટ્રકમાંથી વિદેશી દારૂની મોંઘા બ્રાન્ડની 1000 બોટલો મળી હતી. જેની બજાર કિંમત 35 લાખથી પણ વધારે થાય છે. પોલીસે કંપનીના માલિક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કલોલના પલોડીયા ગામમાં આવેલી ઇલેક્ટ્રો થર્મ કંપનીમાં GSTના દરોડા પડ્યા હતા. GSTના અધિકારીઓ સાથે તપાસમાં સહકાર આપવા ગયેલી સાંતેજ પોલીસને કંપનીના મલિકની ઓફીસમાંથી કંપનીના બોક્સમાં દારૂ મળતા વધુ તપાસ કરી હતી. જે બાદ કંપનીના પાર્કિગમાં ઉભેલી આઇસરની તપાસ કરતા આશરે 50 જેટલા ઇલેક્ટ્રો થર્મલ કંપનીના બોક્સમાં વિદેશી બ્રાન્ડની અલગ અલગ એક હજાર જેટલી બોટલો મળી આવી હતી, જેમાં ગાડીમાંથી કંપનીના વ્યવહારના દસ્તાવેજ પણ મળ્યા હતા.

જે બાદ પોલીસે વધુ પૂછપરછ કરતા કંપનીના સિક્યુરિટી ઇન્ચાર્જને ત્યાંથી પણ બીજી 60 દારૂ બોટલ પોલીસે જપ્ત કરી હતી. સાથે જ કંપનીના માલિક શેલેષ કોઠારીના ઘરે પણ ચેક કરતા બીજી વધુ 40 બોટલ વિદેશી બ્રાન્ડનો દારૂ મળી આવ્યો હતો. સાંતેજ પોલીસે અલગ અલગ ત્રણ ગુનાઓ નોંધી આશરે 35 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો.

સાંતેજ પીઆઇ માજરીયાએ વધુ તપાસ હાથ ધરી છે અને મુખ્ય સુત્રધાર ઇલેક્ટ્રો થર્મ કંપનીના માલિક સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(4:45 pm IST)