Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

વાપીમાં તેલના વેપારી પાસેથી 12.39 લાખની કિંમતના તેલના ડબ્બા મંગાવી સુરતના વેપારીએ છેતરપિંડી આચરતા પોલીસ ફરિયાદ

વાપી: શહેરના ચલા સ્થિત તેલના વેપારી પાસેથી રૂ.12.39 લાખની કિંમતના તેલના ડબ્બા મંગાવી સુરતના સરથાણા યોગીચોક વિસ્તારમાં દુકાન ધરાવતા બે ભાગીદાર પેમેન્ટ કર્યા વિના ફરાર થઈ ગયા હતા. બંનેએ શરૂઆતમાં જે દુકાને તેલના ડબ્બા મંગાવ્યા હતા ત્યાં પેમેન્ટ સમયસર કર્યું હતું. પરંતુ દુકાન ફેરવી ત્યાં તેલના ડબ્બા મંગાવ્યા બાદ દુકાન બંધ કરી દીધી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ વાપી આઝાદનગર એસ.ટી.ડેપોની સામે શિવશક્તિ મેંશનમાં રહેતા 51 વર્ષીય નિમેષભાઈ કિશોરચંદ્ર અગ્રવાલ ચલા ગામ ખાતે શ્રી શિવશકિત ઓઈલ મિલના નામે તેલનો વેપાર કરે છે.

સુરતમાં યોગીચોક વિસ્તારમાં અગાઉ ધરતી એન્ટરપ્રાઈઝ અને ઓમ ટ્રેડીંગના નામે ભાગીદારીમાં બે પેઢી ચલાવતા મેહુલભાઈ અરજણભાઈ ગોંડલીયા અને રજનીકાંતભાઈ પોપટભાઈ ખોખરે સપ્ટેમ્બર 2020 માં તેલના ડબ્બા મંગાવી તેનું સમયસર પેમેન્ટ કર્યું હતું. ત્યાર બાદ તેમણે દુકાન ફેરવીને સરથાણા યોગીચોક સ્વામિનારાયણ મંદિર સામે વાસ્તુ રેસિડેન્સીમાં શરૂ કરી હતી. ત્યાં તેમણે રૂ.12,38,600 ની કિંમતના જુદીજુદી કંપનીના તેલના ડબ્બા મંગાવી પેમેન્ટ કર્યું નહોતું.

પેમેન્ટની ઉઘરાણી માટે નિમેષભાઈએ તેમની દુકાને તપાસ કરાવી તો તેમણે દુકાન બંધ કરી દીધી હતી. તેમના મોબાઈલ ફોન પણ બંધ થઈ જતા અને તેમની કોઈ ભાળ નહીં મળતા છેવટે નિમેષભાઈએ બંને વિરુદ્ધ ગતરોજ સરથાણા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

(5:14 pm IST)