Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

ગાંધીનગરમાં સે-21માં શોપિંગ સેંટરની બહાર પાર્કિંગની સુવિધા યોગ્ય રીતે ન જળવાતા લોકોને હાલાકી

ગાંધીનગર:શહેરમાં સેક્ટર-૨૧ ખાતે આવેલાં શોપીંગ સેન્ટરમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી અર્થે આવતાં હોય છે ત્યારે વાહનો પાર્ક કરવા માટે યોગ્ય સુવિધા મળી શકે તે માટે તંત્ર દ્વારા સ્માર્ટસીટી પ્રોજેક્ટ અંતર્ગત પાર્કીંગ પ્લેસ ઉભા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને કામગીરી પણ શરૃ કરી દેવામાં આવી છે. ત્યારે ઘણા વિસ્તારમાં પાર્કિંગ પ્લેસ બનાવી દેવામાં આવ્યા છે તો ઘણી જગ્યાએ બાકી છે. કામગીરી તો શરૃ કરવામાં આવી પરંતુ દિવાળી બાદ મંથર ગતિએ ચાલી રહેલી કામગીરીના પગલે શોપીંગ સેન્ટરમાં વેપાર ધંધા સાથે સંકળાયેલા વેપારીઓ અને ખરીદી અર્થે આવતાં નગરજનો માટે પણ પાર્કિંગની સમસ્યા વિકટ બની છે. તંત્ર દ્વારા જે વિસ્તારમાં પાર્કિંગ પ્લેસ બનાવવામાં આવ્યા છે. તેમાં આડેધડ દબાણો ઉભા થઇ જતાં ખરીદી અર્થે આવતાં લોકોને વાહન પાર્ક કરવામાં હેરાન પરેશાન થવું પડે છે. ના છુટકે વાહનો પણ જ્યાં ત્યાં પાર્ક કરવાની નોબત આવે છે જેના પગલે ટ્રાફિકની સમસ્યા પણ વિસ્તારમાં સર્જાય છે. જેથી તંત્ર દ્વારા સત્વરે કામગીરી પુર્ણ કરવામાં આવે તેવી માંગ પણ વેપારીઓ દ્વારા કરવામાં આવી છે. હાલમાં આડેધડ પાર્ક થઇ રહેલાં વાહનોના પગલે ખરીદી અર્થે આવતાં નગરજનો અને વેપારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

(5:15 pm IST)