Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

લાખોની રૂની ગાંસળી ખરીદીને ઠગાઈ કરનારા સામે ફરિયાદ

અમદાવાદની પેઢીની કડીની પેઢી સાથે છેતરપિંડી : કડીની શાંતા કોટન ઈન્ડસ્ટ્રી પાસેથી અમદાવાદની પેઢીએ રૂ ખરીદીને પેસા ન ચૂકવતાં કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

અમદાવાદ, તા. ૫ : કડીમાં થોળ રોડ ઉપર આવેલી શાંતા કોટન ઇન્ડસ્ટ્રીઝ નામની કંપની પાસેથી દલાલોએ લાખો રૂપિયાની રૂની ગાંસડીઓ લઈ નાણાં નહિ ચૂકવી ઠગાઈ આચરતાં કંપનીના સંચાલકોએ કડી પોલીસ સ્ટેશનમાં પાંચ ઈસમો સામે છેતરપિંડીની ફરીયાદ નોંધાવી છે.

કડીના કુંડાળ ગામે રહેતા જતીનકુમાર નારણ પટેલ કડીના થોળ રોડ ઉપર શાંતા કોટન ઇન્ડસ્ટ્રીઝના નામે વેપાર કરે છે. જેમાં કપાસ તથા કપાસિયાના પિલણનું કામકાજ તેમજ કોટન ગાંસડીઓના વેચાણનું કામકાજ ચાલે છે. કંપની માલિકે નોંધાવેલી ફરિયાદ અનુસાર વર્ષ ૨૦૧૯માં અમદાવાદના નવરંગપુરામાં  આવેલ  ગણેશ કોટન બ્રોકરના વિજય ભટ્ટ અહિતરી સ્પીનિંગ મિલ પ્રા. લી. ધ્રોલી ધોળકાના વહીવટકર્તા પારુલ હરેશ ત્રિવેદી, હરેશ પ્રમોદરાય ત્રિવેદી, જ્યોતિબેન હીરા આહીર, હીરા બાવભાઈ આહીરને લઈને તેઓની કંપનીમાં આવ્યા હતા.

તેમણે પેઢી રજીસ્ટર હોઈ અને તેઓ વેપારી હોઈ તેમને રૂની ગાંસડીઓ પસંદ આવતાં ભાવ નક્કી કરી જતીનને વિશ્વાસ આપી માલની રકમ પંદર દિવસમાં ચૂકવી દઈશું તેમ જણાવી રૂ ની ૧૦૦ નંગ ગાંસડીઓ જેનું વજન ૧૬,૨૫૭ કી. ગ્રા. જેની કુલ કી.૨૨,૪૮,૮૧૯/- લઈ ગયા હતા. આરોપીઓએ આપેલી મુદત પૂરી થતાં જતીને ઉઘરાણી કરતાં થોડાક દિવસોમાં તમને તમારું પેમેન્ટ વ્યાજ સહિત ચૂકવી દઈશું તેમ જણાવ્યું હતું. બીજી મુદત પુરી થવા છતાં તેમણે પેમેંટ નહિ મોકલતાં જતીને ઉઘરાણી કરતાં વિજય ભટ્ટે ઉઘરાણી કરવી નહીં નહીતો જાન થી મારી નાખીશું વગેરે ધમકી આપતાં કંપની માલિકે મહિલા સહિત પાંચ આરોપીઓ વિરુદ્ધ કડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.

(8:48 pm IST)