Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

સુરતમાં અજાણ્યા શખ્સ દ્વારા પરિણીતાની ગળુ દબાવી હત્યા

૨ વર્ષનો પુત્ર, ૪ વર્ષની પુત્રીએ છત્રછાયા ગુમાવી : પીએસઆઈએ પતિ દેવેન્દ્ર પ્રજાપતિને શંકાના દાયરમાં લઈ તેની ઉલટ તપાસ હાથ ધરી હોવાનુ જાણવા મળ્યું

સુરત, તા. ૫ : શહેરમાં વધુ એક મહિલાની હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. રૂદરપુરા લાપસીવાળાની ચાલમાં રહેતી ૨૯ વર્ષીય પરિણીતાનું કોઈ અજાણ્યાઍ ઘરમાં ગળુ દબાવી હત્યા કરતા ચકચાર મચી છે. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને સમગ્ર મામલે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. જો કે પોલીસની પ્રાથમિક તપાસમાં પતિને શંકાના દાયરમાં લઈ તેની પુછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

એક તરફ શહેરમાં ચુંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે આ માહોલ વચ્ચે પણ સુરતમાં સતત હત્યાની ઘટના સામે આવી રહી છે. શહેરમાં વધુ એક હત્યાની સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં અઠવા વિસ્તારમાં પરિણીતાની ગળું દબાવી હત્યા થતા હોહાપો મચી જવા પામ્યો છે.

માહિતી અનુસાર રૂદરપુરા લાપસીવાળાની ચાલમાં મગનભાઈ દુર્લભભાઈ પટેલના મકાનમાં રહેતા દેવેન્દ્ર હરનામ પ્રજાપતિ સમોચા અને કચોરી બનાવી શહેરના અલગ અલગ વિસ્તારમાં લારી ઉપર વેચી પરિવારમાં પત્ની મનુબેન, બે વર્ષનો પુત્ર અને ચાર વર્ષની પુત્રીનું ભરણ પોષણ કરે છે દેવેન્દ્ર ગઈકાલે બપોરે ઍક વાગ્યે તેની ચાર વર્ષની પુત્રીને આઈસ્ક્રીમ ખવડાવવા માટે લઈ ગયો હતો, અને દોઢ બે વાગ્યે પરત ધરે આવ્યો ત્યારે તેની પત્ની મનુબેનનુ ગળુ દબાવી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.

દેવેન્દ્રએ આ બનાવ અંગે પોલીસને જાણ કરતા અઠવા પોલીસનો કાફળો સ્થળ પર દોડી ગયો હતો અને મનુબેનની લાશને પીઍમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી. જોકે, મનુબેનની હત્યા મામલે પીઍસઆઈ ઍમ.બી.ચૌહાણ ફરિયાદી બની હત્યાનો ગુનો દાખલ કરી પતિ દેવેન્દને શંકાના દાયરમાં લઈ તેની ઉલટ પુછપરછ હાથ ધરી હોવાનુ જાણવા મળે છે. જોકે માતાની હત્યા થતા બે વર્ષનો પુત્ર અને ચાર વર્ષની પુત્રીએ નાની ઉમરમાં માતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે.

 

 

ટિકિટોની ફાળવણી મામલે કોંગી ધારાસભ્ય-પક્ષ પ્રમુખ સામ સામે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં કકળાટ : ભાજપની જેમ જ ટિકિટ ફાળવણી બાદ કોંગ્રેસમાં ભડકો થવાના સંકેત, પ્રદેશ-સ્થાનિક નેતૃત્વ વચ્ચે ખેંચતાણ ચાલુ

ગાંધીનગર, તા. ૫ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસમાં કકળાટ શરૂ થઈ ગયો છે. હાલ અમદાવાદ શહેર કોંગ્રેસમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ટિકિટોની ખેંચતાણને લઈ શહેર કોંગ્રેસ પ્રમુખ અને ધારાસભ્ય આમને સામને આવી ગયા છે. ધારાસભ્યો પોતાના સમર્થકોને ટિકિટ આપવાની જીદે ચડ્યા છે. જેને કારણે પ્રદેશ અને સ્થાનિક નેતૃત્વ વચ્ચે ખેંચતાણ ચાલુ છે. ભાજપની જેમ જ ટિકિટ ફાળવણી બાદ કોંગ્રેસમાં ભડકો થવાના પૂરેપૂરા એંધાણ છે.

એએમસીની ચૂંટણીમાં કોંગ્રેસની અંદર જ્યાં ટિકિટો માટે ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. કોંગ્રસને અનેક વોર્ડમાં ઉમેદવારો પણ મળતાં નથી. અત્યાર સુધી કોંગ્રેસે ૧૦ વોર્ડના ખાલી ૩૮ ઉમેદવારની જાહેરાત કરી છે. જ્યારે ૧૯૨ બેઠકોમાંથી કોંગ્રેસના ૧૫૪ નામ બાકી છે. સૂત્રો કહે છે કે, કેટલાક વોર્ડમાં જ્યાં વિવાદ છે તેવા વોર્ડમાં નામો જાહેર કરવાને બદલે સીધા જ મેન્ડેટ આપી દેવાશે. ઉમેદવારોની જાહેરાત સાથે જ કોંગ્રેસના ઘરમાં તોફાન મચે તેવી ભીતિના કારણે પણ પ્રદેશ નેતાગીરી નામો જાહેર કરી શકી નથી. અમદાવાદ શહેરની યાદીમાં બે ધારાસભ્યોએ પક્ષને બાનમાં લીધું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે ભાજપ અને કોંગ્રેસમાં ઈલુ ઈલુ પ્રકરણે ચર્ચા જગાવી છે. હવે ગુજરાત કોંગ્રેસના વધુ એક સિનિયર નેતાએ પોત પ્રકાશ્યું છે, અમદાવાદના નરોડા નજીકના એક વોર્ડ માટે કોંગ્રેસના સિનિયર નેતા તેમની પ્રેમિકાને ટિકિટ અપાવવા મેદાને પડયા છે. કોંગ્રેસના નેતાના જે મહિલા સાથે સુંવાળા સંબંધો છે તે અગાઉ પણ એક વાર ભૂંડી રીતે ચૂંટણી હારી ચૂક્યા છે, તેમ છતાં આ નેતા ટિકિટ માટે હઠ લઈને બેઠા છે. આ બાબત જે તે વોર્ડમાં સામે આવતાં કોંગ્રેસના કાર્યકરોમાં વિરોધ વંટોળ ઊઠયો છે.

(8:50 pm IST)